વર્ષ 2023નો ‘પઠાન’થી શરૂ થયેલ બોક્સ ઓફિસ સક્સેસનો સિલસિલો હજુ ચાલુ છે. બોલિવૂડના અચ્છે દિન આવી ગયા છે. હિન્દી સિનેમા ઉદ્યોગની ખુશીનો પાર નથી. ઓગસ્ટમાં બોલિવૂડનો ડંકો વાગી રહ્યો છે અને તેમાં સૌથી મોટું યોગદાન છે સની દેઓલની ફિલ્મ ‘ગદર-2’નું. તેની બોક્સ ઓફ્સિ પર થઈ રહેલી કમાણીએ દરેકને ચોંકાવી દીધા છે. કોઈએ નહીં વિચાર્યું હોય 22 વર્ષ બાદ પરત ફરેલા તારાસિંહ આવું જોરદાર કમબેક કરશે. અનિલ શર્માના ડાયરેક્શનમાં બનેલી ‘ગદર-2’એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. મૂવીએ વર્લ્ડવાઇડ રૂ. 500 કરોડની કમાણી કરી લીધી છે, અને ભારતની વાત કરીએ તો 12 દિવસમાં 400.70 કરોડનું કલેક્શન કરી નાખ્યું છે. સની દેઓલની પહેલી 400 કરોડની કમાણી કરનારી બનેલી ‘ગદર-2’ દરરોજના કલેક્શન સાથે નવો રેકોર્ડ બનાવી રહી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ અનુસાર સનીની ‘ગદર-2’એ ભારતમાં 400.70 કરોડનું કલેક્શન કર્યું છે. બીજા મંગળવારે ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હોવા છતાં ફિલ્મ ધમાલ મચાવી રહી છે. વર્કિંગ ડેઝમાં પણ ‘ગદર-2’એ મજબૂત પકડ બનાવી રાખી છે. ‘ગદર-2’ પહેલા ‘પઠાન’ સૌથી ઝડપી 400 કરોડ કમાણી કરનાર હિન્દી ફિલ્મ હતી. હવે ‘ગદર-2’એ ‘પઠાન’ના રેકોર્ડની બરાબરી કરી નાખી છે. બન્ને મૂવીએ 12 દિવસમાં 400 કરોડ કમાણી કરી છે. ત્યાં જ ‘બાહુબલી-2’એ 14 દિવસમાં 400 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી હતી. ‘કેજીએફ-2’એ 23મા દિવસે 400 કરોડ ક્લબમાં દસ્તક આપી દીધી હતી.