મુંબઈઃ બોલિવૂડનાં લોકપ્રિય અભિનેત્રી અને લાખો દિલોની ધડકન ‘ચાંદની’ શ્રીદેવીનું દુબઈમાં આકસ્મિક નિધન થતાં ફિલ્મચાહકોમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે. ૫૪ વર્ષનાં શ્રીદેવી સરળ - સાલસ સ્વભાવ માટે જેટલાં જાણીતાં હતા એટલું જ તેમનું મૃત્યુ વિવાદાસ્પદ બની રહ્યું છે.
શ્રીદેવી તેમના પતિ બોની કપૂર અને નાની પુત્રી ખુશી સાથે નણંદના પુત્રના લગ્ન સમારોહમાં હાજરી આપવા દુબઇ ગયા હતા. શનિવારે મધરાતે જાહેરાત થઇ હતી કે કાર્ડિયાક એરેસ્ટના કારણે તેમનું નિધન થયું છે. પરંતુ જેમ જેમ કલાકો વીતતા ગયા તેમ તેમ મૃત્યુના કારણો અંગે એક પછી એક અટકળ થવા લાગી હતી. રવિવારે વહેલી સવારથી શરૂ થયેલો અટકળોના આ સિલસિલાનો અંત મંગળવારે સાંજે દુબઇના પ્રોસિક્યુટરની જાહેરાત સાથે આવ્યો હતો. પ્રોસિક્યુટરે ફોરેન્સિક તપાસના રિપોર્ટ સહિતના તથ્યોના આધારે જાહેર કર્યું હતું કે શ્રીદેવી અકસ્માતે બાથટબમાં પડી જતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું અને આ સમયે તેઓ નશામાં હતા.
રવિવારથી મંગળવાર સાંજ સુધીના આ કલાકોમાં દુબઇના તપાસનીશ અધિકારીઓએ પતિ બોની કપૂરથી માંડીને કપૂર દંપતી જે હોટેલમાં રોકાયું હતું તેના સ્ટાફ સહિત અનેક લોકોની ઝીણવટભરી પૂછપરછ કરી હતી. તેમના નિવેદનો નોંધ્યા હતા અને ક્રોસચેક કર્યા હતા. આ પછી તેમણે શ્રીદેવીના પાર્થિવ દેહને ભારત લઇ જવા મંજૂરી આપી હતી.
શ્રીદેવીના પાર્થિવ દેહને મંગળવારે રાત્રે ખાસ વિમાનમાં મુંબઇ લઇ જવાયો હતો, જ્યાં બુધવારે તેમની અંતિમક્રિયા કરાશે. આ પૂર્વે શ્રીદેવીના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને જાહેર દર્શનાર્થે રખાશે, જેથી ફિલ્મઉદ્યોગના સાથી કલાકારોથી માંડીને ફિલ્મચાહકો તેમને અંજલિ અર્પી શકે.
ડૂબી જવાથી મૃત્યુ
દુબઈના કાયદા પ્રમાણે શ્રીદેવીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાતાં તેનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાના અહેવાલોને રદિયો મળ્યો હતો. ફોરેન્સિક રિપોર્ટ અનુસાર શ્રીદેવીનું બાથટબમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. રવિવારે શ્રીદેવીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું અને દુબઈ પોલીસે તેનો રિપોર્ટ ભારતીય દૂતાવાસ તથા તેના પરિવારને સોંપ્યો હતો. ડિરેક્ટર ઓફ પ્રિવેન્ટિવ મેડિસિન દ્વારા જારી રિપોર્ટ અનુસાર શ્રીદેવી શરાબના નશામાં હતાં. ગલ્ફ ન્યૂઝના જણાવ્યા અનુસાર શ્રીદેવીનાં શરીરમાંથી શરાબના અંશ મળી આવ્યા હતા. તે બાથટબમાં અચાનક પડી જતાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હતું. દુબઈના જુમૈરાહ એમિરેટ્સ ટાવર્સમાં આ દુર્ઘટના બની હતી. આ રિપોર્ટ પછી દુબઈ પોલીસે કેસ પબ્લિક પ્રોસિક્યુશનને ટ્રાન્સફર કર્યો હતો. આ વિભાગ આ પ્રકારના કેસોમાં કાયદાકીય કાર્યવાહી કરે છે.
શ્રીદેવીની અંતિમ ઇચ્છા
શ્રીદેવીની ઇચ્છા હતી કે તેના અંતિમ સંસ્કારમાં બધુ જ સફેદ રંગનું હોય. આથી મુંબઈસ્થિત શ્રીદેવીનાં નિવાસસ્થાને જ્યાં તેનો પાર્થિવ દેહ અંતિમ દર્શને મૂકાયો છે ત્યાં તમામ ચીજો સફેદ રંગની મૂકવામાં આવી છે. શ્રીદેવીએ ફિલ્મ ‘લમ્હે’ દરમિયાન આ ઇચ્છા વ્યક્ત કરી હતી. તે સમયે શ્રીદેવી જણાવ્યું હતું કે મને સફેદ રંગ ઘણો પસંદ છે અને હું ઈચ્છું છું કે મારી અંતિમયાત્રામાં પણ દરેક વસ્તુ સફેદ હોય.
સરપ્રાઈઝ ડિનરની તૈયારી
બાથરૂમ ટબમાં અકસ્માતે મૃત્યુ થયું તે પહેલાં શ્રીદેવી તેના પતિ બોની કપૂર સાથે સરપ્રાઈઝ ડિનર પર જવાની તૈયારી કરી રહી હતી. રિપોર્ટ અનુસાર મુંબઈથી પરત ફરેલા બોની કપૂર સાંજે લગભગ સાડા પાંચ વાગે શ્રીદેવીને સરપ્રાઈઝ ડીનર માટે બોલાવવા તેના રૂમમાં ગયા હતા. જ્યાં તેમને બાથટબમાંથી શ્રીદેવી મૃત હાલતમાં મળી હતી. પોલીસે આવીને શ્રીદેવીને મૃત જાહેર કરી હતી.
બહેનને મળવા રોકાયા હતા
શ્રીદેવીનાં સૌથી નજીક ગણાય એવા લોકોમાં સૌથી પહેલું નામ તેમની બહેન શ્રીલતાનું આવે છે. એક સમયે શ્રીદેવીના શૂટિંગથી લઈને ૨૪ કલાક કોઈ સાથે રહેતું હોય તો એ શ્રીલતા હતાં. શ્રીલતા હવે દુબઈમાં સ્થાયી થયાં છે.
દુબઈમાં લગ્નપ્રસંગ પૂરો કરીને પતિ બોની કપૂર અને પુત્રી ખુશી મુંબઈ પાછા ફર્યા હતા. જ્યારે શ્રીદેવી શ્રીલતા સાથે થોડાક દિવસ રહેવા માટે રોકાયા હતા.
શ્રીદેવી નિયત કરેલા સમય પ્રમાણે એકલા પાછા ફરવાના હતા. જોકે બોની કપૂર સરપ્રાઈઝ પ્લાન કરીને શ્રીદેવીને લેવા ફરી દુબઈ ગયા હતા. દુબઈથી બંનેએ સાથે પરત આવવાનો પ્લાન બનાવ્યો હતો.
વારંવાર ફોન કરનાર કોણ?
ખાનગી ન્યૂસ ચેનલ ટીવી-9 પર પ્રસારિત અહેવાલ અનુસાર શ્રીદેવીને વારંવાર એક નંબર પરથી ફોન આવતો હતો. ફોન કરનારી વ્યક્તિ કોણ હતી તેની તપાસ હવે દુબઈ પોલીસ કરશે. આ અંગે મુંબઈ પોલીસ શ્રીદેવીની બંને દીકરીઓની પૂછપરછ કરશે તેવા પણ અહેવાલ છે. શ્રીદેવીના મૃત્યુના કારણ અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે ખાનગી ટીવી ન્યૂસ ચેનલ પર વહેતા થયા હતા કે શ્રીદેવીના મૃત્યુ પહેલાં તેને વારંવાર કોઇ વ્યક્તિ ફોન કરી રહી હતી. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ હાથ ધરવાની છે કે શ્રીદેવીને એક જ નંબર પર વારંવાર ફોન કરનારી વ્યક્તિ કોણ હતી.
બિગ બીને અમંગળ આભાસ?
બોલિવૂડના શહેનશાહ અમિતાભે મોડી રાતના કરેલી ટ્વિટે સમગ્ર સોશ્યલ મીડિયામાં ખળભળાટ મચાવ્યો છે. રાતના ૧-૧૫ વાગ્યે અમિતાભે ટ્વિટર પર લખ્યું હતું કે ‘ન જાણે કેમ મને એક વિચિત્ર ગભરાહટ થઈ રહી છે.’ આનાથી એવું પ્રતીત થાય છે કે અમિતાભને કંઈક અમંગળ બનવાનો અહેસાસ થયો હતો.
ત્યારબાદ અમિતાભે એક અન્ય ટ્વિટમાં લખ્યું હતું કે, ‘આ એક સિકસ્થ સેન્સ (છઠ્ઠી ઈન્દ્રિય)ની વાત છે.’ ઉલ્લેખનીય છે કે અમિતાભે શ્રીદેવી સાથે ‘ઈન્ક્લાબ’, ‘આખરી રાસ્તા’ અને ‘ખુદા ગવાહ’માં કામ કર્યું હતું. ઉપરાંત શ્રીદેવીની કમબેક ફિલ્મ ‘ઈંગ્લિશ વિંગ્લિશ’માં અમિતાભે સ્પેશ્યલ અપિયરન્સ આપ્યું હતું.
વિવાદના વંટોળે ચઢેલા ૭ સવાલ...
૧) શ્રીદેવીને દુબઈમાં છોડીને બોની કપૂર અચાનક મુંબઈ શા માટે આવી ગયા પછી ફરી દુબઈ શા માટે ગયા?
૨) તબીબી અભિપ્રયાસ અનુસાર બાથટબમાં પડવાથી શ્રીદેવીનું મૃત્યુ થયું છે. તો તેના શરીર પર ઇજાના નિશાન શા માટે નથી?
૩) શ્રીદેવીના પરિચિત કહી રહ્યા છે કે તે કદી દારૂ પીતી નહોતી. તો શું કોઈએ તેને પરાણે દારૂ પીવડાવ્યો?
૪) બોની કપૂરે ડોક્ટર્સને ફોન કરતા પહેલા મિત્રોને ફોન કેમ કર્યો?
૫) શું બોની સાથે શ્રીદેવીને કોઈ ઝઘડો થયો હતો? જો એવું નહોતું તો તે ૪૮ કલાક સુધી હોટેલની બહાર કેમ નહોતી નીકળી?
૬) રાત્રે ૯ વાગ્યે શ્રીદેવીની સાથે આટલો મોટો અકસ્માત થઈ ગયો, તો પછી દુનિયાને આ સમાચાર અડધી રાત બાદ શા માટે જણાવાયા?
૭) એક દાવો એવો છે કે બોની કપૂર હોટેલમાં જ હતા. પરંતુ હોટેલ સ્ટાફનું કહેવું છે કે જ્યારે તે રૂમમાં પાણી આપવા ગયો તો તેણે ડોરબેલ વગાડ્યો, પરંતુ દરવાજો ખુલ્યો નહીં. આથી કોઈ અઘટીત ઘટનાની આશંકાએ તેણે એલાર્મ બટન દબાવીને દરવાજો તોડ્યો હતો. આ સમયે બોની કપૂર ક્યાં હતા?
શ્રીદેવીને મહાનુભાવોની શ્રદ્ધાંજલિ...
• અભિનેત્રી શ્રીદેવીના મૃત્યુના સમાચાર જાણીને આઘાત લાગ્યો. તેમના આ નિધનના સમાચારથી કરોડો ચાહકોને ઊંડા દુખની લાગણી થઈ છે. લમ્હે, ઈંગ્લિશ-વિંગ્લિશ જેવી ફિલ્મોનો રોલ હંમેશા લોકોને પ્રેરણા પૂરી પાડશે. - રામનાથ કોવિંદ, રાષ્ટ્રપતિ
• શ્રીદેવી ભારતીય ફિલ્મનાં ગણમાન્ય અભિનેત્રી હતાં. લાંબી કારકિર્દીમાં તેમણે વૈવિધ્યસભર ભૂમિકાઓ ભજવી હતી. યાદગાર રોલના કારણે તેઓ હંમેશા યાદ રહેશે. - નરેન્દ્ર મોદી, વડા પ્રધાન
• કરોડો ચાહકોના ફેવરિટ અભિનેત્રી શ્રીદેવીના નિધનના સમાચારથી આઘાત લાગ્યો. શ્રીદેવી ખૂબ જ પ્રતિભાવંત અને વર્સેટાઈલ અભિનેત્રી હતાં. તેમણે ઘણી ભાષાઓમાં વૈવિધ્યપૂર્ણ ભૂમિકા ભજવીને આગવો રસ્તો કંડાર્યો હતો. - રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ
• મારી પાસે આ સમાચાર સાંભળ્યા પછી કંઈ જ કહેવા માટે શબ્દો નથી. હું હજુ પણ આ વાતને માની શકતી નથી. શ્રીદેવીને ચાહનારા બધા ચાહકોની જેમ હું પણ ઊંડા દુઃખની લાગણી અનુભવું છું. - પ્રિયંકા ચોપરા, અભિનેત્રી
• હું માની નથી શકતી કે શ્રીદેવીનું નિધન થયું છે. મને એવો આભાસ થાય છે કે જાણે તે હસી રહ્યાં છે, વાતો કરી રહ્યાં છે. શ્રીદેવી ખૂબ જ ઉમદા અભિનેત્રી હતા, કેટલીય અભિનેત્રીઓ માટે અભિનયની સ્કૂલ હતા. - કાજોલ, અભિનેત્રી
• આ ટ્રેજિક સમાચાર સાથે હું ઉઠયો ત્યારે એક પણ શબ્દ બોલવાની મારામાં શક્તિ નહોતી. બોની કપૂર અને તેમની બંને પુત્રીઓને ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. - રિશી કપૂર, અભિનેતા
• ઉઠતાંની સાથે જ શ્રીદેવીના નિધનના ખરાબ સમાચાર સાંભળ્યા. સિનેમાએ એક ખૂબ જ ટેલેન્ટેડ વ્યક્તિને ગુમાવી છે. શ્રીદેવીએ તેમના કામનો અભૂતપૂર્વ વારસો પાછળ મૂકતાં ગયાં છે. - માધુરી દિક્ષિત, અભિનેત્રી
• શ્રીદેવી એનર્જીથી ભરપૂર અભિનેત્રી હતી. ૧૯૮૫ પછી દેશને જે સારા અદાકાર મળ્યા એમાંનાં એક હતાં શ્રીદેવી. તે જ્યારે શૂટિંગ કરતાં ત્યારે ભલભલા ડિરેક્ટર્સને તેના દરેક શોટ વખતે તેમની એનર્જી જોઈને આશ્વર્યમાં પડી જતા. શ્રીદેવીમાં ડાન્સ, ડ્રામા અને રોમાન્સનો અનોખો સંગમ જોવા મળતો હતો. - સુભાષ ઘઈ, દિગ્દર્શક
• શ્રીદેવીજીના નિધનના સમાચાર સાંભળીને હું ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગયો છું. હું તેમના કામનો ફેન હતો અને રહીશ. - આમિર ખાન, અભિનેતા