‘છાવા’એ કમાણીનો ઇતિહાસ રચ્યો

Thursday 20th March 2025 12:41 EDT
 
 

વિકી કૌશલ સ્ટારર ‘છાવા’એ બોક્સ ઓફિસ કબજો જમાવ્યો છે અને સારો બિઝનેસ પણ કરી રહી છે. રિલીઝના 5મા રવિવારે 16 માર્ચે પણ ફિલ્મે શાનદાર કલેક્શન કર્યું છે. ‘છાવા’ને સિનેમાઘરોમાં રિલીઝ થયાને એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે, છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે અને દરરોજ કમાણીનો આંકડો ઊંચકાઇ રહ્યો છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં તેના બજેટ કરતાં અનેકગણો નફો કર્યો છે, પરંતુ તેની કમાણીની ગતિ ધીમી થવાના કોઈ સંકેત નથી. વર્ષ 2025માં 500 કરોડ રૂપિયાની ક્લબમાં પ્રવેશનાર બોલિવૂડની પહેલી ફિલ્મ ‘છાવા’ની વૈશ્વિક કમાણીનો આંકડો 731 કરોડને પાર પહોંચ્યો છે.
‘છાવા’ છત્રપતિ શિવાજી મહારાજની બહાદુરીની વાર્તા પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં વિકી કૌશલે મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ઐતિહાસિક ડ્રામા વિકી કૌશલના કરિયરની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે અને વર્ષ 2025ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ પણ બની ગઈ છે. આ ફિલ્મ તેની રિલીઝના પહેલા દિવસથી જ જોરદાર કમાણી કરી રહી છે અને તેની રિલીઝના એક મહિના પછી પણ તેનો ક્રેઝ દર્શકોમાં ધૂમ મચાવી રહ્યો છે. ફિલ્મના અત્યાર સુધીના કલેક્શનની વાત કરીએ. ફિલ્મે રિલીઝના પહેલા અઠવાડિયામાં 219.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા સપ્તાહમાં ફિલ્મે 180.25 કરોડનો, ત્રીજા સપ્તાહમાં 84.05 કરોડનો તો ચોથા સપ્તાહમાં ‘છાવા’ની કમાણી 55.95 કરોડ રૂપિયા હતી. ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, ‘છાવા’એ 31મા દિવસે 8 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ‘છાવા’ની 31 દિવસમાં કુલ કમાણી હવે 562.65 કરોડ રૂપિયા થઈ ગઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter