બહુ ઓછા લોકો જાણતા હશે કે ‘છોટુદાદા’ વડોદરા નજીક તીર્થસ્થાન ચાણોદના વતની હતા અને તેમનું મૂળ નામ ઈન્દ્રવદન જયશંકર પુરોહિત હતું. તેમણે ચાણોદમાં રહીને એલએલબી સુધીનો અભ્યાસ પૂરો કર્યા બાદ અનાયાસે જ ફિલ્મ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ૨૦૦થી વધુ ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કોમેડિયન તરીકે કામ કર્યું હતું. બોલિવૂડમાં ‘છોટુદાદા’ તરીકે જાણીતા ઇન્દ્રવદનભાઇના પિતા કર્મકાંડી બ્રાહ્મણ હતાં. પ્રાથમિક શિક્ષણ ચાણોદમાં જ્યારે હાઈસ્કૂલ અને કોલેજનું શિક્ષણ ડભોઈમાં લીધું હતું. પછી વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં કાયદા શાખામાં ગ્રેજ્યુએશન કર્યું હતું.