ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવી ઘરે ઘરે જાણીતા બની ગયેલા અભિનેતા ગુરુચરણસિંહ (51) સુખરૂપ ઘરે પરત ફર્યા છે. 25 દિવસથી લાપતા ગુરુચરણસિંહ ગયા શુક્રવારે જાતે જ ઘેર પાછા ફર્યા હતા. ગુરુચરણસિંહે પોલીસ પૂછપરછમાં કહ્યું કે દુનિયાદારી છોડીને ધાર્મિક યાત્રાએ નીકળી પડ્યો હતો. ઘર છોડીને ગયા બાદ તેઓ અમૃતસર, લુધિયાણા જેવા શહેરોના ગુરુદ્વારામાં રોકાયા હતા, પરંતુ તેમને અહેસાસ થયો કે ઘેર પાછા ફરવું જોઈએ, તેથી ઘેર પાછા ફર્યા છે. તેમના પરિવારજનોએ દિલ્હી પોલીસમાં ગુરુચરણસિંહ લાપતા થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. અભિનેતા 22 એપ્રિલના રોજ સાંજે દિલ્હીથી મુંબઇ જવા ઘેરથી નીકળ્યા હતા, પરંતુ તેઓ મુંબઇ પહોંચ્યા નહોતા. પોલીસ તપાસમાં જાણકારી મળી હતી કે ગુરુચરણસિંહનો મોબાઇલ 22 એપ્રિલની રાત્રે જ બંધ થઇ ગયો હતો. અભિનેતા બે મોબાઈલ ફોન રાખે છે. પરંતુ તેઓ એક ફોન દિલ્હીના પોતાને ઘેર મૂકીને ગયા હતા. તપાસ કરી રહેલી પોલીસ ટીમે ગુરુચરણસિંહના બેન્ક ખાતા અને ક્રેડિટ કાર્ડ પર થયેલી નાણાકીય લેવડદેવડની પણ તપાસ કરી હતી. છેલ્લે તેમણે 14 હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ગુરુચરણસિંહની આર્થિક સ્થિતિ સારી ન હોવાની અને તેમના પર તેમના પર દેવું હોવાનું કહેવાય છે.