લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના અભિનેતા ગુરુચરણસિંહનું સ્વાસ્થ્ય કથળતા થોડા સમય પહેલાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હવે અભિનેતાની મિત્ર ભક્તિ સોનીએ તેમની તબિયત વિશે અપડેટ શેર કર્યું છે. ભક્તિ સોનીનું કહેવું છે કે ગુરુચરણસિંહે ખાવાપીવાનું બંધ કરી દીધું છે. તેમના પરિવાર સાથે સંપર્ક સાધી શકાતો નથી. કારણ કે તેમણે પણ ફોન બંધ કરી દીધા છે. ભક્તિ સોનીએ એવી સ્પષ્ટતા પણ કરી કે અભિનેતા સાંસારિક જીવન છોડીને સંન્યાસ લેવા માંગતા હતા. એક મુલાકાતમાં ભક્તિ સોનીએ કહ્યું હતું કે ગુરુચરણસિંહની તબિયત લથડી રહી છે. અગાઉ તેમને બે વાર હોસ્પિટલમાં ભરતી કરાયા હતા. તેમની સ્થિતિ ફરી લથડતાં એક સરકારી હોસ્પિટલમાં ભરતી કરાયા છે અને હાલમાં સારવાર ચાલી રહી છે.
તેમણે આ મુલાકાત એવી પણ સ્પષ્ટતા કરી હતી કે ગુરુચરણસિંહની આર્થિક સ્થિતિ ખરાબ છે. તેમના માથે 1.2 કરોડ રૂપિયાનું દેવું છે અને પારિવારિક મુદ્દાઓથી પરેશાન છે. આ બધાની અસર તેમના દિમાગ પર પડી છે. પિતા 55 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે, પરંતુ ભાડુઆતો મકાન ખાલી નથી કરી રહ્યા. આ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. જો સંપત્તિ વેચાઈ જાય તો દેવું ઉતરી જાય તેવી સ્થિતિમાં પણ છે.’ ગુરુચરણસિંહે થોડા દિવસ પહેલાં જ હોસ્પિટલના બિછાનેથી વીડિયો શેર કર્યો હતો. તેમણે હોસ્પિટલમાં દાખલ થવા પાછળનું કારણ જણાવ્યા વગર એટલું જ કહ્યું હતું કે તબિયત ખરાબ થઈ ગઈ છે.