‘દંગલ’ની બાળ કલાકાર સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન થયું છે. દવાઓના રિએક્શનની તેણે જીવ ગુમાવ્યો હોવાનું તેના પિતાએ જણાવ્યું હતું. રેસલર ફોગાટ સિસ્ટર્સ પર બનેલી દેશની સૌથી વધુ આવક રળી ચૂકેલી ફિલ્મ ‘દંગલ’માં તેણે બાળ કલાકાર તરીકે ભૂમિકા ભજવી હતી. થોડા દિવસ પહેલાં તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. તે જે દવા લેતી હતી, તેના રિએક્શનને કારણે શરીરમાં પાણી ભરાઈ ગયું હતું. સુહાનીના પિતા પુનીતે જણાવ્યું કે તેને ડર્મેટોમાયોસાઇટિસ નામની બીમારી હતી. આ બીમારી દર 10 લાખ લોકોમાંથી એકને થાય છે. માંસપેશીઓમાં નબળાઈ અને ચામડી પર ચાંદાં પડી જવા સાથે ભાગ્યે જ જોવા મળતો સોજો ચડી જાય તેવી બીમારી છે. તેની સારવાર મુખ્યત્વ સ્ટીરોઇડ્સથી થાય છે. સામાન્ય રીતે આ બીમારીમાં પ્રેડનિસોન જેવા સ્ટીરોઈડયુક્ત દવાનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેનાથી અનેક સંભવિત આડઅસરોનું જોખમ રહેતું હોય છે. સૌપ્રથમ, લિમ્ફોસાઇટ્સ અને મેક્રોફેજ સહિત ચેપ સામે લડવા માટે મહત્ત્વની ગણાતી આ દવા રોગપ્રતિકારક કોશિકાઓને અસર પહોંચાડે છે. તેનાથી દર્દીને વિવિધ પ્રકારના ચેપ થાય છે, તેના કારણે શ્વાસનળીમાં ચેપ, યુરિનમાં ચેપ, ચામડીનું સંક્રમણ કે હર્પીસ વાઇરસ વગેરે સક્રિય થાય છે.