સુરેખા સિક્રીનું ૭૫ વરસની વયે કાર્ડિયાક અરેસ્ટથી ૧૬ જુલાઇએ નિધન થઇ ગયું છે. ત્રણ-ત્રણ વખત નેશનલ એવોર્ડ જીતી ચૂકેલાં સુરેખા સિક્રી અભિનયની દુનિયામાં ૫૦ વરસથી સક્રિય હતા, પરંતુ તેમને સૌથી વધુ ઓળખ ટેલિવિઝન સિરીયલ બાલિકા વધુના પાત્ર ‘દાદીસા’ કલ્યાણી દેવી તરીકે મળી હતી. તેઓ એક શિસ્તપાલન અને કડક દાદીસાના રોલમાં લોકોના માનસ પર છવાઇ ગયા હતા. તેમને છેલ્લે ઝોયા અખ્તરની ઘોસ્ટ સ્ટોરીઝના સેગ્મેન્ટમાં જોવા મળ્યા હતા, જેનું પ્રીમિયર નેટફ્લિક્સ પર થયું હતું. તેમને ફિલ્મ તમસ, મમ્મો અને બધાઇ હો... માટે ત્રણ વખત બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસના નેશનલ એવોર્ડ ઉપરાંત અભિનય ક્ષેત્રે અનેક એવોર્ડ મેળવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સુરેખાજી બીજી વખત બ્રેઇન સ્ટ્રોકનો ભોગ બન્યા હતા. આ પછી તેમને મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી. લોકડાઉન દરમિયાન લાંબો સમય કામના અભાવે તેમજ તબિયત ખરાબ રહેવાથી તેમની આર્થિક સ્થિતિ કથળી ગઇ હતી. તેઓ કામ કરવા પણ માંગતા હતા, લોકડાઉનના કારણે તે શક્ય બનતું નહોતું. તેમણે એક વખત તો એવી લાગણી વ્યક્ત કરી હતી કે, મને ભીખ નહીં પરંતુ કામ આપો. જોકે તેમની તબિયત સારી ન હોવાથી તેઓ આમ કરી શક્યા નહોતા.