‘સ્ટાર પ્લસ’ની સિરિયલ ‘દિલ તો હેપ્પી હૈ જી’માં કામ કરી ચૂકેલી અભિનેત્રી સેજલ શર્માએ ૨૪મી જાન્યુઆરીએ મુંબઈના મીરા રોડ પર આવેલા પોતાના ઘરમાં ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. સેજલની અંતિમ નોટમાં તેણે પોતાના મૃત્યુ માટે કોઈને જવાબદાર ગણાવ્યા નથી. ચર્ચા છે કે સેજલે કામ ન મળવાના લીધે અંગત કારણોસર આ પગલું ભર્યું છે. સેજલને એક્ટિંગ અને ડાન્સમાં રસ હતો અને તે ફિલ્મોમાં કામ કરવા માગતી હતી.
સેજલના મૃત્યુ પછી સિરિયલમાં તેના ભાઇનું પાત્ર ભજવનારા અંશ બાગરીએ કહ્યું કે, અમે સિરિયલમાં ૯ મહિના સુધી સાથે કામ કર્યું હતું. એક મિત્રએ સેજલના આપઘાતના સમાચાર આપ્યા તો મને થયું કે સેજલે ફોન કરાવીને મારી સાથે મજાક કરાવી છે, પણ પછી સાચું જાણીને ખૂબ દુઃખ થયું. સેજલ ખૂબ જ જિંદાદિલ અને ખુશમિજાજ છોકરી હતી અને મુશ્કેલીઓનો સામનો કરતાં સારી રીતે જાણતી હતી. તેણે ક્યારેય કોઇ મુશ્કેલી વિશે ખૂલીને જણાવ્યું તો નથી, પણ કામને લઈને તેની મુશ્કેલીનો અંદાજ મને હતો જે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સામાન્ય છે. સેજલ ઘણીવાર કહેતી કે મારા માતા-પિતા અને ભાઇ માટે કંઇક કરવું છે ત્યારે હું બધું બરાબર થઈ જશે એવી સાંત્વના તેને આપ્યા કરતો હતો. મને હજી પણ વિશ્વાસ નથી આવતો કે તે આપણી વચ્ચે નથી.