શાહરુખ ખાન અને કાજોલની ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે...’ (ડીડીએલજે) રિલીઝ થઈ એને 30 વર્ષ પૂરા થઈ રહ્યા છે. છતાં આજે પણ આ રોમેન્ટિક ફિલ્મ દુનિયાભરમાં જોવાઈ રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં દર્શકોએ બ્રિટન અને યુરોપની સુંદરતા પણ માણી હતી. હવે યશરાજ ફિલ્મ્સ અને બ્રિટનના રેલવે તંત્ર દ્વારા સાથે મળીને એક સાંસ્કૃતિક ઉજવણીનો નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં બ્રિટિશ રેલવે પણ તેની સ્થાપનાનું 200મું વર્ષ ઉજવી રહ્યું છે.
વેલેન્ટાઇન્સ ડે પ્રસંગે ફિલ્મના મ્યુઝિકલ પ્રોડક્શન ‘કમ ફોલ ઇન લવ – ધ ડીડીએલજે મ્યુઝિકલ’ના સંગીતમય નાટ્ય રૂપાંતરણની જાહેરાત કરાઇ છે. જેનું 29 મેના રોજ માન્ચેસ્ટરના ઓપેરા હાઉસમાં પ્રિમિયર યોજાશે, અને 21 જૂન સુધી ભજવાતું રહેશે. આ સંદર્ભે લંડન અને માન્ચેસ્ટરના રેલવે સ્ટેશનો પર પણ વિવિધ એક્ટિવિટી યોજાશે. ડીડીએલજેના ગીતો આજે પણ ભારતના લોકોના દિલમાં વસેલા છે, ત્યારે આ મ્યુઝિકલ પ્રોડક્શનમાં ફિલ્મના ગીતો સાથે 18 ઇંગ્લિશ ગીતો ઉમેરાયા છે. જેમાં વિશાલ દદલાણી અને શેખર રાવજીઆનીએ સંગીત આપ્યું છે, તેમજ નીલ બેન્જામિન દ્વારા આ ગીતો લખાયા છે.
આ પ્રોડક્શનમાં ડિઝનીની ‘ફ્રોઝન’ ફિલ્મના કોરિયોગ્રાફર રોબ એશફોર્ડ દ્વારા કોરિયોગ્રાફી કરાઇ છે. તો ઇન્ડિયન ફિલ્મી કોરિયોગ્રાફીનું કામ શ્રુતિ મર્ચન્ટ દ્વારા કરાયું છે.
બ્રિટિશ રેલવેના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર સુઝેન ડોનેલીએ કહ્યું, ‘અમે યશરાજ ફિલ્મ્સ સાથે જોડાઈને બહુ ખુશ છીએ. રેલવેએ ફિલ્મ મેકર્સને હંમેશા પ્રેરણા આપી છે.’ જ્યારે યશરાજ ફિલ્મ્સના સીઈઓ અક્ષય વિધાણીએ કહ્યું, ‘યશરાજ ફિલ્મનો પ્રયત્ન હંમેશા વૈશ્વિક દર્શકોને સ્પર્શે તેવી ભારતીય કથાઓને લોકો સુધી પહોંચાડવાનો છે. ડીડીએલજે એનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ ફિલ્મનો સૌથી યાદગાર સીન બ્રિટનના કિંગ્ઝ ક્રોસ રેલવે સ્ટેશન પર શૂટ થયો હતો. તો બ્રિટિશ રેલવેના 200 વર્ષે તેમની સાથે જોડાવું એ પણ યાદગાર બાબત છે. સાથે મળીને અમે પ્રેમનો સંદેશ આપવા માગીએ છીએ.’