તાજેતરમાં પ્રિયંકા ચોપરા મુંબઇ એરપોર્ટ પર અચાનક દેખાતાં બધાને આશ્ચર્ય થયું હતું કે આ ઇન્ટરનેશનલ સ્ટાર અચાનક કેમ મુંબઇ પધારી હશે. જોકે હવે વાઇરલ થયલાં એક વીડિયોને પગલે પ્રિયંકાનું મુંબઇ મુલાકાતનું રહસ્ય ખૂલી ગયું છે. વાત એમ છે કે પ્રિયંકા તેના ભાઇ સિદ્ધાર્થ ચોપરાના અભિનેત્રી નીલમ ઉપાધ્યાય સાથે થયેલી સગાઇમાં હાજરી આપવા આવી છે. વાઇરલ વીડિયોમાં પ્રિયંકાનો ભાઇ સિદ્ધાર્થ ચોપરા અને નીલમ ઉપાધ્યાય એકમેકને વીંટી પહેરાવતાં દેખાય છે. અને બાદમાં બંને જણાં પ્રિયંકાના આશીર્વાદ લેતાં જણાય છે. આ વીડિયો રીના ચોપરાએ ઇન્ટરનેટ પર શેર કર્યો હતો પણ તેને તરત જ ડિલિટ કરવામાં આવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં તો વીડિયો વાઇરલ થઇ ચૂક્યો હતો. આમ, પ્રિયંકાની મુંબઇ મુલાકાતનું રહસ્ય અનાયાસે ખૂલી ગયું છે. વીડિયોમાં પ્રિયંકાની માસી અને પરિણતીના માતા રીના ચોપરા સહિત આખો ચોપરા પરિવાર દેખાય છે.
બોલિવૂડની ‘દેસી ગર્લ’ પ્રિયંકા ચોપરા ગયા શુક્રવારે ઘણા સ્ટાઇલિશ લૂકમાં મુંબઈ એરપોર્ટ પર ઉતરી હતી. તેણે બ્લૂ ફ્લોરલ પ્રિન્ટવાળું ટ્યુબ ટોપ અને તે જ કલરનું બેગી પેન્ટ પહેર્યું હતું. એરપોર્ટની બહાર આવતાં જ તે પાપારાઝીઓને સ્માઇલ આપતી જોવા મળી હતી અને તેમને હેલો કહીને કારમાં બેસી ગઈ હતી. તેને ભારત પરત ફરેલી જોઈને તેના ફેન્સ ખૂબ ખુશ છે. અગાઉ એવી વાત હતી કે પ્રિયંકા ‘ફેશન-2’ અને ‘જી લે જરા’ ફિલ્મોના શૂટિંગ માટે મુંબઇ આવી છે.