‘ધ સાબરમતી રિપોર્ટ’માં 11 ફેરફાર

Friday 22nd November 2024 06:43 EST
 
 

ગુજરાતના બહુચર્ચિત ગોધરા કાંડ અને તેના પર રજૂ થયેલા મીડિયાના અહેવાલો પર આધારીત ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને સેન્સર બોર્ડે UA સર્ટિફિકેટ આપ્યું છે. સેન્સર બોર્ડના સૂચન અનુસાર ફિલ્મની ટીમે લગભગ 11 ફેરફાર કર્યા છે, જેમાં ફિલ્મમાંથી 40 ટકા હિંસાત્મક દૃશ્યો દૂર કરાયા છે અને કેટલાંક વાંધાજનક ડાયલોગ પણ દૂર કરાયા છે. જેમ કે, એક ડ્રાઇવરનો ડાયલોગ, “સબ મિલતા હૈ, બ્રાન્ડ બતાઇયે”ને બદલી દેવાયો છે અને અક્ષય કુમારની આરોગ્યલક્ષી જાહેરખબરમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં ગોધરા કાંડનું રિપોર્ટિંગ કરી રહેલા પત્રકારનો રોલ વિક્રાંત મેસ્સી કરી રહ્યો છે, તેની સાથે રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા પણ પત્રકારનો રોલ ભજવે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલાંક લોકોએ દાવો કર્યો હતો કે આવનારી ફિલ્મના કારણે વિક્રાંત મેસ્સીનું વલણ ભાજપ પ્રત્યેનું વલણ થોડું હળવું થઈ ગયું છે. આ ચર્ચાઓ અંગે જવાબ આપતાં વિક્રાંત મેસ્સીએ જણાવ્યું હતું કે વર્ષોના તેના અંગત અનુભવોને કારણે તેના વિચારો પણ બદલાયા છે, અને તેનું કારણ માત્ર પ્રોફેશનલ નથી.
તાજેતરમાં એક પોડકાસ્ટમાં વિક્રાંતે કહ્યું હતું કે તે માને છે કે પરિવર્તન અનિવાર્ય છે, પરંતુ તેના દૃષ્ટિકોણમાં ફેરફાર થયો હોવા છતાં તે પોતાની બિનસાંપ્રદાયિક વિચારધારાને વરેલો છે. વિક્રાંતે કહ્યું કે સમગ્ર ભારતના પ્રવાસ અને વિવિધ પરિપ્રેક્ષ્યમાંથી આવતા લોકો સાથેની મુલાકાતોને કારણે તેનું વલણ બદલાયું છે. તે લોકો સાથે વાતો કરવાથી તેમની સમસ્યાઓને વધુ સ્પષ્ટતાથી સમજી શકે છે. વાસ્તવિકતાના અનુભવ સાથે તેની સમજમાં ઊંડાણ આવ્યું છે. હવે તે કોઈ પણ સમસ્યાને તટસ્થ રીતે જોઈ શકે છે. મન શાંત રાખીને તેમાંથી બહારના પ્રભાવને અલગ તારવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter