‘ધૂમ’ અને ‘ધૂમ-ર’ જેવી સુપરહિટ ફિલ્મોના દિગ્દર્શક સંજય ગઢવીનું નિધન થયું છે. 57 વર્ષના ગઢવીને રવિવારે મુંબઈમાં મોર્નિંગ વૉક દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર અને ફિલ્મ નિર્માતા મનુભાઈ ગઢવીના પુત્ર હતા. તેમના અંતિમ સંસ્કાર સોમવારે સવારે કરાયા હતા.
મુંબઇના લોખંડવાલા અંધેરી વેસ્ટની ગ્રીન એકર સોસાયટીમાં રહેતા સંજય ગઢવી લોખંડવાલા બેક રોડ પર મોર્નિંગ વોક કરી રહ્યા હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો ઊપડતાં તેઓ પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. તેમને તરત જ હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના ઓચિંતા નિધનથી તેમના પરિવારને તેમજ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ભારે આઘાત લાગ્યો છે.
ગઢવીના પત્ની કોલકાતામાં જ્યારે નાની દીકરી પૂણેમાં હતી, જે બંને તત્કાળ મુંબઈ પહોંચ્યા હતા. આસિસ્ટન્ટ દિગ્દર્શક તરીકે ફિલ્મ કારકીર્દિ શરૂ કરનાર સંજય ગઢવી હંમેશા કહેતા કે સિનેમા મારા લોહીમાં વહે છે. ઉલ્લેખની છે કે તેમના પિતા મનુભાઇ પણ ફિલ્મઉદ્યોગ સાથે સંકળાયેલા હતા અને તેમણે ‘કસુંબીનો રંગ’ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. આ ફિલ્મનું પ્રોડક્શન ચાલતું હતું ત્યારે તેઓ માતાના ગર્ભમાં હતા. તેમના માતા પણ ફિલ્મોના શોખીન હતા. તેઓ લગભગ દરેક ફિલ્મને ફર્સ્ટ ડે - ફર્સ્ટ શો નિહાળવાનું પસંદ કરતા હતા. સુપ્રસિદ્ધ ગઝલગાયકો પંકજ ઉધાસ અને મનહર ઉધાસ તેમના માતાના પિતરાઇ ભાઇ હતા. સંજય ગઢવી ઘણી વખત કહેતા કે પંકજભાઇ અને મનહરભાઇ તેમને લોરી ગાઇને સૂવડાવતાં હતા.
ગઢવીની મોટી દીકરીના જણાવ્યા અનુસાર તેઓ સંપૂર્ણપણે સાજા-સારા હતા. તાજેતરમાં તેમણે શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ પર બેઝ્ડ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી અને ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઇ ગયું હતું. ગઢવી સાથે ‘ધૂમ’માં કામ કરી ચૂકેલા ઈશા દેઓલ, અભિષેક બચ્ચન, રવીના ટંડન, સંજય ગુપ્તા સહિત અન્ય બોલિવૂડ સેલેબ્સે પણ સંજય ગઢવીના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.
સંજય ગઢવીએ ‘મેરે યાર કી શાદી હૈ’, ‘તેરે લિયે’, ‘કિડનેપ’, ‘અજબ ગજબ લવ’ જેવી ફિલ્મો પણ ડિરેક્ટ કરી હતી. જોકે ‘ધૂમ’ અને ‘ધૂમ-2’ની સફળતાએ તેમને ટોચના ફિલ્મમેકર બનાવી દીધા બાદ તેમનો કપરો સમય શરૂ થયો હતો. આ બે ફિલ્મોની સફળતા બાદ તેમની મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી હતી.
2020માં તેમણે ‘ઓપરેશન પરિન્દે’થી ઓટીટી ડેબ્યૂ કર્યું હતું.