શાહરુખ ખાને 2023નું વર્ષ પોતાના નામે કરેલું છે. ચાર વર્ષના લાંબા બ્રેક પછી ગત વર્ષે શાહરુખની ત્રણ ફિલ્મો આવી હતી અને તેમાંથી બે ફિલ્મે રૂ. 1000 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. શાહરુખ કરિયરમાં અત્યંત નિરાશાજનક તબક્કો પાર કર્યો છે. નિષ્ફળતા પચાવવાનું કોઈના માટે સહેલું નથી. શાહરુખે સ્વીકાર્યું હતું કે, નિષ્ફળતાના દોરમાં તે બાથરૂમમાં જઈને ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યો છે, પરંતુ પોતાના આંસુ કોઈને બતાવ્યા નથી.’
દુબઈ ખાતે ગ્લોબલ ફ્રેઈટ સમિટમાં શાહરુખે પોતાના જીવન અને કરિયર અંગે દિલ ખોલીને વાત કરી હતી. નિષ્ફળતાથી દુઃખી થવા બાબતે કિંગ ખાને કહ્યું હતું કે, નિષ્ફળ જવાની લાગણી જરાય પસંદ નથી. આવું લાગે ત્યારે હું બાથરૂમમાં જઈને ખૂબ રડું છું, પરંતુ તે કોઈને બતાવતો નથી. તમારે સ્વીકારવું જોઈએ કે દુનિયા તમારી વિરુદ્ધમાં નથી. બધા લોકો ભેગા થઈ તમારી સામે ષડયંત્ર ઘડી રહ્યા છે અને તેના કારણે ફિલ્મ ન ચાલી તેવું માનવું જોઈએ નહીં. ફિલ્મ ખરાબ બનાવી હશે તેવું માની લેવું જોઈએ અને પછી આગળ વધવું જોઈએ.’
શાહરુખના મતે, જીવનમાં નિરાશાનો દોર ચાલી રહ્યો હોય ત્યારે તમારી પ્રોડક્ટ અથવા સર્વિસ બરાબર નહોતી તેવું માનવું જોઈએ નહીં. આપણે જે પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છીએ, તેને સમજવામાં ભૂલ થઈ હોવાથી આ સ્થિતિ સર્જાઈ હશે. લોકો કઈ રીતે રિએક્ટ કરે છે તે સમજવાની જરૂર છે. જે લોકો માટે કામ કરું છું તેમની લાગણીનો પડઘો ન પડતો હોય તો ગમેતેટલું સારું કામ કર્યું હોય તો પણ તે પ્રોડક્ટ ચાલવાની નથી. શાહરુખ ખાન સફળ એક્ટરની સાથે પ્રોડ્યુસર, ઈન્વેસ્ટર અને બિઝનેસમેન છે. શાહરુખ ખાને અનેક ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે. શાહરુખની ગણતરી બોલિવૂડના શ્રેષ્ઠ બિઝનેસમેન તરીકે થાય છે.