વર્ષ ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘પટેલ કી પંજાબી શાદી’ના ગુજરાતી નિર્માતા ભરતભાઈ પટેલે ફિલ્મ અભિનેત્રી સની લિયોનીને કાયદેસર નોટિસ ફટકારી છે કે, આ ફિલ્મ માટે સની લિયોનીને આપવામાં આવેલી સાઈનિંગ અમાઉન્ટ રૂ. ૫ લાખ તેમને પરત મળવી જોઈએ. ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અને ‘પટેલ કી પંજાબી શાદી’ના નિર્માતા ભરત પટેલની ફિલ્મમાં રિશિ કપૂર અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં હતા. સંજય છેલ ડિરેક્ટેક્ટેડ આ ફિલ્મમાં સનીને કુલ રૂ. ચાળીસ લાખ ચૂકવવાની શરતે એક આઈટમ સોંગ માટે સાઈન કરાઈ હતી. સાઈનિંગ અમાઉન્ટ તરીકે ગીતના શૂટિંગ પહેલાં જ રૂ. પાંચ લાખ ચૂકવી દેવાયા હતા.
ભરતભાઈ કહે છે કે, સનીએ ગીત માટે કુલ ત્રણ દિવસ ફાળવવાના હતા. બે દિવસ ગીતના રિહર્સલ માટે અને એક દિવસ શૂટિંગ માટે. સાઈનિંગ અમાઉન્ટ આપી દેવાયા પછી સનીએ ગીતના રિહર્સલ માટે તારીખો લંબાવવાની શરૂ કરી અને એ પછી જુદી જુદી તારીખો આપવાનું શરૂ કર્યું. અંતે રિહર્સલ ન કરીને સીધું ગીતનું શૂટિંગ કરવાનું નક્કી કરાયું, પણ એ માટે પણ સનીએ ગલ્લાંતલ્લાં શરૂ કરતા અંતે કંટાળીને શિલ્પા શિંદે પર આઈટમ સોંગ માટે પસંદગી ઉતારવામાં આવી હતી.
ભરતભાઈએ જણાવ્યું કે, સનીના પતિ ડેનિયલ વેબર સનીની શૂટિંગની તારીખો તથા આર્થિક કારભાર સંભાળે છે. ડેનિયલની હાજરીમાં સની સાથે થયેલા કરાર પ્રમાણે, સનીને સાઈન કરવાના રૂ. ૪૦ લાખ ચૂકવવાનું નક્કી થયું હતું. જેમાં રૂ. ૫ લાખ સાઈનિંગની રકમ, રૂ. પાંચ લાખ લુક ટેસ્ટ, રૂ. ૧૦ લાખ રિહર્સલ્સ અને રૂ. ૧૦ લાખ પ્રમોશનના નક્કી થયા હતા. સનીને સાઈનિંગ અમાઉન્ટ મળ્યા પછી તે ફિલ્મના અન્ય કલાકારો સાથે શૂટ માટેની તારીખોની ચર્ચા કરતી રહેતી, પણ ફિલ્મની પ્રોડક્શન ટીમ ફોનકોલ કે મેસેજ કરે તો તે જવાબ આપતી નહોતી જેથી કંટાળીને અન્ય હીરોઈનને આઈટમ સોંગ માટે પસંદ કરવામાં આવી હતી.
ભરતભાઈનું કહેવું છે કે, સાઈનિંગ અમાઉન્ટ પાછી મેળવવા માટે સનીને વર્ષ ૨૦૧૭માં પણ લિગલ નોટિસ મોકલવામાં આવી હતી, પણ સની દ્વારા કોઈ પ્રતિભાવ ન મળતાં ફરી કાયદાનો સહારો લેવાનું પગલું ભર્યું છે.
બીજી તરફ બોલિવૂડમાં સનીના નજીકના વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે કે, સની નિર્માતાની વાતોને પાયવિહોણી ગણાવતાં કહે છે કે, આ ફિલ્મના શૂટિંગ માટે વારંવાર તારીખો બદલવામાં આવી હતી. તેથી સનીએ ફાજલ પડતી તારીખો અન્યોને ફાળવી દીધી હતી.