નિર્દેશક સંજય લીલા ભણસાલીની આવનારી ફિલ્મ ‘પદ્માવતી’ પર વિવાદોના વાદળ ઘેરાયલા જ રહે છે. હવે કેન્દ્રિય પ્રધાન ઉમા ભારતીએ એક ખુલ્લો પત્ર પોસ્ટ કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે. ઉમા ભારતીએ કહ્યું છે કે જ્યારે તમે કોઈ ઐતિહાસિક તથ્ય પર ફિલ્મ બનાવો છો ત્યારે તમે તેના ફેક્ટની અવગણના કરી શકો નહીં. તેમણે નિર્દેશકને કહ્યું હતું કે તમારે લોકોના મનમાં જે આશંકાઓ છે તેને દૂર કરવી જોઈએ.
તથ્યોને બદલી શકાય નહીં. તેને સારું કે ખરાબ કહી શકાય. વિચારવાની સ્વતંત્રતા આપણને કોઈ પણ તથ્યની નિંદા અથવા પ્રશંસા કરવાનો હક્ક આપણને આપે છે, એમ તેમણે પોતાના પત્રમાં કહ્યું હતું. રાણી પદ્માવતીની વાર્તા એક ઐતિહાસિક તથ્ય છે. અલાઉદ્દીન ખીલજી એક વ્યભિચારી હુમલાવર હતો. રાણી ઉપર તેની ખરાબ નજર હતી અને આ કારણથી તેણે ચિત્તોડને નષ્ટ કરી દીધું હતું. રાણી પદ્માવતીના પતિ રાણા રતન સિંહ પોતાના સાથીઓ સાથે વીરગતિને પ્રાપ્ત થયા હતા. રાણીએ તે હજારો સ્ત્રીઓ જેમના પતિ વીરગતિને પ્રાપ્ત થયા હતા તેમની સાથે જીવિત જ અગ્નિમાં કૂદી જૌહર કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું અભિવ્યક્તિનો હક્ક હોય છે, પણ તેની એક સીમા હોય છે જેમ કે તમે બહેનને પત્ની અથવા પત્નીને બહેન ન કહી શકો.