નવી દિલ્હી: દિલ્હીની કોર્ટે ફિલ્મ ‘પીપલી લાઈવ’ના સહનિર્દેશક મહમૂદ ફારુકીને દુષ્કર્મ કેસમાં ૭ વર્ષની જેલની સજા અને ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડ તે ના ભરે તો વધુ ત્રણ મહિનાની જેલ થશે. કોર્ટે ૩૧મી જુલાઈના રોજ ફારુકીને ૩૫ વર્ષીય અમેરિકન રિસર્ચ સ્કોલર પર દુષ્કર્મ કરવાના આરોપમાં દોષિત જાહેર કર્યા હતા.
પીડિતા અમેરિકાની કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી કરી રહી હતી અને રિસર્ચ માટે ભારત આવી હતી. પીડિતાએ ફારુકી વિરુદ્ધ ૨૮ માર્ચ ૨૦૧૫ના રોજ કેસ દાખલ કરાવ્યો હતો. અમેરિકન રિસર્ચરનો આરોપ હતો કે મહમૂદ ફારુકીએ ૨૮ માર્ચ ૨૦૧૫માં દિલ્હીના સુખદેવ વિહાર સ્થિત તેના ઘરે દુષ્કર્મ કર્યું હતું. પીડિતાના નિવેદન પ્રમાણે તે સમયે ફારુકી નશામાં ધૂત હતા. બાદમાં ફારુકીએ મહિલાની માફી માગી હતી.
મહિલાની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને ૨૦ જૂન ૨૦૧૫ના રોજ ફારુકીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. પીડિતાએ જણાવ્યું કે, ગોરખપુરમાં તેના એક મિત્રએ ફારુકી સાથે મુલાકાત કરાવી હતી. ફારુકી ગોરખપુરના રહેવાસી છે. ફારુકીએ તેના રિસર્ચમાં કામ આવનાર મટીરિયલ આપવાનો વાયદો કર્યો હતો. પોલીસે ચાર્જશીટમાં મુલાકાત કરાવનાર કોમન ફ્રેન્ડનું નિવેદન પણ નોંધ્યું હતું.