લો બજેટમાં બનેલી અને માઉથ પબ્લિસિટીના સહારે ઊંચકાયેલી ફિલ્મ '12વી ફેઈલ’ને સ્વતંત્ર એન્ટ્રી તરીકે ઓસ્કરમાં મોકલવામાં આવી છે. ઓસ્કર એવોર્ડ માટે ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી તરીકે ક્લાઈમેટ ચેન્જ પરની મલયાલમ ફિલ્મ ‘2018’ પસંદ થઈ ચૂકી છે. જોકે, કોઈ પણ નિર્માતા પોતાની ફિલ્મને ઓસ્કરમાં સ્વતંત્ર એન્ટ્રી તરીકે મોકલી શકે છે. તે અનુસાર વિધુ વિનોદ ચોપરાએ ‘12વી ફેઈલ’ને ઓસ્કરમાં મોકલી છે. ઓસ્કર એવોર્ડ સમારોહ આવતા વર્ષે 10 માર્ચે યોજાવાનો છે. વિક્રાંત મેસીની આ ફિલ્મ ગયા મહિને રીલીઝ થઈ હતી. તદ્દન નહીંવત્ત પબ્લિસિટી અને કોઈ મોટા સેલેબલ સ્ટારની ગેરહાજરી છતાં પણ આ ફિલ્મે માત્ર માઉથ પબ્લિસિટીના જોરે બોક્સ ઓફિસ પર રૂ. 55 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ માત્ર રૂ. 20 કરોડના બજેટમાં બની છે. બોલીવૂડના ભલભલા મોટા સ્ટાર્સની ફિલ્મ પોતાનો ખર્ચો પણ કાઢી શકી નથી તે વચ્ચે આ ફિલ્મ હિટ થઈ છે. મોટાભાગના સમીક્ષકોએ પણ આ ફિલ્મને વખાણી છે. ગયા વર્ષે ભારત તરફથી ઓસ્કરમાં સત્તાવાર એન્ટ્રી તરીકે ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' મોકલવામાં આવી હતી.