સલમાન ખાનના વિવાદમાં ઘેરાયેલા શો ‘બિગ બોસ’ની સિઝન ૧૩ ઉપર સંકટ વધુને વધુ ઘેરાઈ રહ્યું છે. સોશિયલ મીડિયાથી શરૂ થયેલો શોનો વિરોધ હવે પ્રસારણ મંત્રાલય સુધી પહોંચ્યો છે. ભાજપના કેટલાક ધારાસભ્યોએ પણ શોનો વિરોધ કર્યો છે. એક હિંદુ ટીવી એક્ટ્રેસ અને મુસ્લિમ કાશ્મીરી મોડેલને એક જ બેડ શેર કરવા માટે શોમાં કહેવાયું હતું. આ ઉપરાંત શોના પહેલા જ એપિસોડમાં રાશન મોઢેથી એકબીજાને પાસ કરવાનું કહેવામાં આવતાં વિરોધ શરૂ થયો હતો. ઉત્તર પ્રદેશના ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે પત્ર લખ્યો હતો કે પ્રાઈમ ટાઈમમાં આવતા શો ‘બિગ બોસ’માં અશ્લિલતા પીરસાઈ રહી છે. જેથી શોને ઘરેલુ માહોલમાં જોવો મુશ્કેલ છે. સામાજિક સમરસતા અને સાંસ્કૃતિક માહોલને હાનિ પહોંચાડતા શો ઉપર રોક લાગવી જોઈએ. હવે કેન્દ્રીય પ્રધાન સમક્ષ શો બંધ કરવાની માગ કરવામાં આવતા મંત્રાલય હરકતમાં આવ્યું છે. આ શો અંગે એક રિપોર્ટ પણ માગવામાં આવ્યો છે.