‘ભાઇ’ના કાંડે રૂ. 167 કરોડની ઘડિયાળ!

Saturday 21st September 2024 11:06 EDT
 
 

સલમાન ખાન સાથે નામ જોડાય તે બ્રાન્ડ માટે લોકોની ઉત્સુકતા વધી જતી હોય છે. આથી જ પોતાના કાંડા પર હિરાજડિત ઘડિયાળ દર્શાવતો સલમાનનો વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ ઘડિયાળની કિંમત 20 મિલિયન ડોલર એટલે કે રૂ. 167 કરોડ હોવાનું કહેવાય છે. જગવિખ્યાત જ્વેલર જેકોબ અરબો દ્વારા આ વીડિયો શેર કરાયો છે. લક્ઝરી વોચ અને જ્વેલરી બ્રાન્ડના સ્થાપક અરબોએ અદભૂત અને અત્યંત કિંમતી ટાઈમપીસ સલમાનના કાંડે મૂક્યો હતો. તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘હું મારી ‘બિલિયોનર’ કોઈને ટ્રાય કરવા દેતો નથી, પરંતુ સલમાન ખાનને તેમાં અપવાદ રાખ્યા છે.’ પોસ્ટમાં દેખાતી ઘડિયાળ અરબો જ્વેલરી બ્રાન્ડના ‘બિલિયોનર’ કલેક્શનમાં આવે છે. તેની કિંમત જાણીને જ આંખો પહોળી થઈ જાય તેમ છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ મુજબ આ ઘડિયાળમાં 600 હિરા જડેલા છે અને 120 કેરેટનું ઉમદા નિર્માણ છે. આવી ઘડિયાળ ખૂબ ઓછી બનાવાઇ છે, જેથી દુનિયાના ગણતરીના લોકો પાસે જ તેનું કલેક્શન હોય અને સાચા અર્થમાં તેને બિલિયોનર ચોઈસ તરીકે સ્થાપિત કરી શકાય. વીડિયોના અંતમાં ઘડિયાળની જટિલ બનાવટની પ્રશંસા કરતો સલમાન ખાન નજરે પડે છે.

કેટલાક લોકોનું માનવું છે કે, આ વીડિયો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ વખતનો છે. લક્ઝરી વોચમેકર પોતે પણ આ વેડિંગમાં હાજર હતા. વેડિંગ દરમિયાન સલમાન સાથે તેમની મુલાકાત થઈ હતી. સલમાન ખાને આ ઘડિયાળ ખરીદી છે કે, પછી માત્ર થોડા સમય માટે પહેરી હતી તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. સલમાન પાસે આ ઘડિયાળ હોય તો તે ક્રિસ્ટિઆનો રોનાલ્ડો, જે. ઝેડ, ડેવિડ બેકહેમ જેવા જૂજ સિતારાની હરોળમાં આવી જશે, કારણ કે તેમની પાસે અગાઉથી આ ઘડિયાળ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter