હિન્દી ફિલ્મના ચાહકોના દિલમાં આગવું સ્થાન ધરાવતા મનોજ કુમારે ૨૪ જુલાઇના રોજ ૮૪મો જન્મદિવસ ઊજવ્યો. ૧૯૩૭માં જન્મેલા ‘ભારત કુમારે’ હિંદી સિનેમામાં ૨૦ વરસની વયે જ ડેબ્યુ કર્યું હતું. તેમણે ફિલ્મ ફેશનથી બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરી હતી. આ પછી તેમણે રાજ કપૂરની મેરા નામ જોકરમાં પણ કામ કર્યું હતું. કારકિર્દી દરમિયાન અનેકવિધ પુરસ્કારોથી સન્માનિત મનોજ કુમાર પદ્મશ્રી અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ એનાયત થઇ ચૂક્યા છે. તેમની લોકપ્રિયાત ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે.
મનોજ કુમાર હિંદી ફિલ્મોમાં ‘ભારત’ના નામે લોકપ્રિય થયા હતા. તેમણે ફક્ત અભિનેતા જ નહીં પરંતુ નિર્માતા-દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું છે. ઉપકાર ફિલ્મ માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે પોતાની મોટા ભાગની ફિલ્મોમાં ભારત નામ રાખ્યું હોવાથી આ નામ તેમની ઓળખ બની ગયું હતું. મનોજ કુમારનું વાસ્તવિક નામ હરિ કૃષ્ણગિરી ગોસ્વામી છે. પરંતુ તેમણે દિલીપ કુમાર અને અશોક કુમાર પાસેથી પ્રેરણા લઇને મનોજ કુમાર નામ અપનાવ્યું હતું.
મનોજ કુમારનો જન્મ પાકિસ્તાનના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. જોકે ભારત-પાકિસ્તાનના ભાગલા દરમિયાન તેમનો પરિવાર ભારત આવી ગયો હતો. મનોજ કુમારની ઘણી ફિલ્મો દેશપ્રેમના વિષય પર હતી. તેમની ફિલ્મ લાલ બહાદુર શાશ્ત્રી અને અટલ બિહારી વાજપેયીને પણ પસંદ આવી હતી. તેમણે ઉપકાર ફિલ્મ લાલ બહાદુર શાસ્ત્રીના જય જવાન જય કિસાનના નારા પરથી પ્રેરણા લઇને બનાવી હતી.