બોલિવૂડનો એકશન સ્ટાર જ્હોન અબ્રાહમ ફિલ્મ ‘મુંબઈ સાગા’માં ગેંગસ્ટરનો રોલ ભજવી રહ્યો છે. ડિરેક્ટર સંજય ગુપ્તાએ આ ફિલ્મનો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયામાં તાજેતરમાં શેર કરીને કહ્યું છે કે, ‘મુંબઈ સાગા’ મારી સૌથી મનપસંદ ફિલ્મ બની રહેશે. જ્હોન આ પહેલાં ક્યારેય આવો લાગ્યો નથી. ‘મુંબઈ સાગા’ ૮૦ના દાયકાની ગેંગવોરની સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી, સુનિલ શેટ્ટી, મહેશ માંજરેકર, કાજલ અગ્રવાલ, પ્રતીક બબ્બર જેવા કલાકારો છે. ઇમરાને ફિલ્મમાં પોલીસનો રોલ પ્લે કર્યો છે. ગયા વર્ષે ઇમરાન પોલીસ યુનિફોર્મમાં હોય તે લૂક શેર કરવામાં આવ્યો હતો. સંજય ગુપ્તાએ ‘શૂટઆઉટ એટ વડાલા’ તથા ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ ડિરેક્ટ કરી હતી. સંજય ગુપ્તાએ હાલમાં જ બોલિવૂડમાં ૨૫ વર્ષ પૂરા કર્યાં છે અને તેમણે કહ્યું હતું કે, ‘મુંબઇ સાગા’ તેમના માટે મહત્ત્વની ફિલ્મ છે. આ ફિલ્મને ભૂષણકુમાર પ્રોડયુસ કરે છે અને ફિલ્મ ૧૯ જૂને રિલિઝ થશે.