આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘લગાન’માં આમિર ખાનની સાથે અભિનય આપી ચૂકેલા અભિનેતા રાજેશ વિવેકનું ઉત્તરાયણના દિવસે હૈદરાબાદમાં અનામી સાઉથ ઈન્ડિયન ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમને હાર્ટ એટેક આવતાં તુરંત જ હૈદરાબાદની હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમને મત જાહેર કરાયા હતા.
શ્યામ બેનેગલની ફિલ્મ ‘જૂનુનથી’થી અભિનયમાં પદાર્પણ કરનારા રાજેશના અભિનયની ‘લગાન’ અને શાહરુખ ખાન અભિનિત ફિલ્મ ‘સ્વદેશ’માં સારી એવી નોંધ લેવાઈ હતી. આ ઉપરાંત તેમણે ‘ત્રિદેવ’, ‘અગ્નિપથ’, ‘રામ તેરી ગંગા મેલી’, ‘કચ્ચે ધાગે’ અને ‘માયા મેમસાબ’ સહિત ત્રીસ ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે અભિનય આપ્યો હતો.
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, દિલ્હીમાંથી થિએટરની તાલીમ પામેલા રાજેશ વિવેકે ‘મહાભારત’, ‘અઘોરી’, ‘ભારત એક ખોજ’ જેવી ટીવી શ્રેણીઓમાં પણ કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ‘મહાભારત’ સિરિયલમાં રાજેશ વિવેકે ભજવેલી વેદ વ્યાસની ભૂમિકાને દર્શકોએ ખૂબ વખાણી હતી.