ફિલ્મની સફળતાની પાર્ટી વિશે તો તમે બહુ સાંભળ્યું હશે, પણ નિષ્ફળ જાય તો પણ પાર્ટી? હા, આમિરે તો આવું કર્યું છે. મોના સિંહે આમિર ખાનના વખાણ કરતાં ‘લાલસિંહ ચઢ્ઢા’ ફ્લોપ પછી તેણે આપેલી પાર્ટી વિશે જણાવ્યું હતું. ફિલ્મમાં કામ કરી ચૂકેલી મોના સિંહે કહ્યું કે, ‘આમિરે ફિલ્મ ફ્લોપ થવાની સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લીધી હતી ને ટીમની મહેનતનું સન્માન કરવા માટે તેણે પાર્ટી પણ આપી હતી.’ મોના સિંહે કહ્યું, ‘અલબત્ત, ખરાબ એ વાતનું લાગ્યું કે અમે આટલા દિવસો સુધી શૂટિંગ કર્યું, આટલું સારું બોન્ડિંગ થયું, આટલી સારી ફિલ્મ બની પરંતુ થિયેટરમાં સારો રિસ્પોન્સ મળ્યો નહીં.’ ફિલ્મ ફ્લોપ થતાં આમિર નિરાશ થયો હતો પરંતુ તેણે ટીમની મહેનત જોઈને પાર્ટી યોજી હતી. આમિર એકમાત્ર એવો અભિનેતા છે જે ટીમના પ્રયાસો જોઈને ફિલ્મ ફ્લોપ થઈ જાય તો પણ પાર્ટી આપી શકે છે.
મને યાદ છે કે તેણે કહ્યું હતું ‘જો ફિલ્મ ન ચાલે તો? શું આપણે ઉજવણી કરવાનું બંધ કરીશું? તેણે ફિલ્મ ફ્લોપ રહેવાની સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લીધી, તેથી જ હું તેનું ખૂબ સન્માન કરું છું.’ ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ 11 ઓગસ્ટ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને 3,000 હજાર સ્ક્રીન્સ મળી છે પરંતુ, બોક્સ ઓફિસ પર ખરાબ પરફોર્મન્સ પછી ફિલ્મના ઘણા શો રદ કરવા પડ્યા હતા. ફિલ્મમાં આમિર ઉપરાંત કરીના કપૂર અને મોના સિંહ પણ હતા. આ ફિલ્મ ટોમ હેન્ક્સ સ્ટારર હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રિમેક હતી. આ ફિલ્મ દ્વારા આમિરે ચાર વર્ષ બાદ પુનરાગમન કર્યું હતું. તેની અગાઉની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ હતી, જે 2008માં રિલીઝ થઈ હતી. 180 કરોડના બજેટ સાથે બનેલી એ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ સાબિત થઈ હતી. એ ફિલ્મે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 130 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.