હિન્દી ફિલ્મોની લીજન્ડ, સુપર સ્ટાર, સદીના મહાનાયક અમિતાભ બચ્ચને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં 55 વર્ષ પૂરા કર્યા છે. હિન્દી સિનેજગત માટે બોલિવૂડ શબ્દ જ પ્રચલિત છે, પણ અમિતાભ બોલિવૂડ શબ્દનાં વિરોધી રહ્યા છે. વર્ષ 1969માં અમિતાભની પ્રથમ ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ રિલીઝ થઇ હતી. જેમાં અનવર અલીની ભૂમિકા માટે તેમને બેસ્ટ ન્યૂકમર માટેના નેશનલ એવોર્ડમાં નોમિનેશન મળ્યું હતું. અમિતાભ સૌથી વયોવૃદ્ધ સ્ટાર હોવા છતાં સોશિયલ મીડિયા પર સક્રિય છે. એટલું જ નહીં, અનેક વાર ક્રિએટિવ પોસ્ટ કરે છે. શનિવારે તેમણે એક્સ (અગાઉના ટ્વીટર) પર પોતાની એઆઇ સર્જિત તસવીરો પોસ્ટ કરી, જેમાં તેમની એક આંખને કેમેરા લેન્સ તરીકે બતાવ્યો છે, તો માથામાંથી ફિલ્મની રિલો અને પ્રોજેક્ટર નીકળતાં દર્શાવ્યા છે. પોસ્ટમાં કેપ્શન આપ્યું છે. ‘સિનેમાની અદભૂત દુનિયામાં 55 વર્ષ... અને એઆઇ મને તેનું અર્થઘટન આપે છે... એ પ્રેઝન્ટેશન મેડ બાય EfB સેલ્ફ-મેડ.’
‘સાત હિન્દુસ્તાની’માં અભિનય કરતાં પહેલાં અમિતાભે એ જ વર્ષે મૃણાલ સેન દિગ્દર્શિત ફિલ્મ ‘ભુવન શોમ’માં પોતાનો અવાજ આપ્યો હતો. એ પણ જાણીતી ઘટના છે કે ઓલ ઇન્ડિયા રેડિયોએ અમિતાભને વોઇસ ટેસ્ટમાં ફેઇલ કર્યા હતા અને આ જ અવાજ છેલ્લા 55 વર્ષથી બિગ સ્ક્રીન પર ગુંજી રહ્યો છે.