સફળ ફિલ્મોની વાત કરીએ તો તે ત્રણ પ્રકારની હોય છેઃ હિટ, સુપરહિટ અને ત્રીજી કેટેગરી હોય છે ‘શોલે’. લેખક-ગીતકાર જાવેદ અખ્તરની આ વાત ‘શોલે’ની સફળતાની કહાણી કહેવા માટે પૂરતી છે. ફિલ્મને ૧૫ ઓગસ્ટે ૪૦ વર્ષ પૂરા થઇ રહ્યા છે ત્યારે જાણો આ ફિલ્મ સાથે જોડાયેલી રસપ્રદ વાતો...
શૂટિંગનો પહેલો દિવસ
‘શોલે’ ૪૦ વર્ષ પહેલાં ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫ના રોજ રિલીઝ થઇ. શૂટિંગ આનાથી લગભગ બે વર્ષ પહેલાં બીજી ઓક્ટોબર, ૧૯૭૩ના રોજ શરૂ થયું હતું. જોકે પહેલો દિવસ વરસાદમાં ધોવાઇ ગયો હતો.
સામાન્ય સંજોગોમાં ડાકુઓ પર બનતી ફિલ્મોનું શૂટિંગ ચંબલની પહાડીઓમાં થતું હોય છે, પરંતુ ડિરેક્ટર રમેશ સિપ્પી કંઇક અલગ દેખાડવા માગતા હતા. તેમના આર્ટ ડિરેક્ટરે બેંગ્લોર પાસે રામનગરમની સલાહ આપી. ફિલ્મમાં દર્શાવાયેલું આખેઆખું ગામ, ઠાકુરનું ઘર, ગબ્બરનો અડ્ડો, મસ્જિદ બધું અસલી નહીં, પણ સેટ હતા.
હાઇવેથી છેક ગામ સુધી એક રસ્તો બનાવવામાં આવ્યો અને ફોન કનેક્શન પણ લગાવવામાં આવ્યું. સૌથી પહેલો ક્યો સીન શૂટ કરવામાં આવ્યો હતો? રાધા જયને તિજોરીની ચાવી આપે છે તે.
અને ગબ્બર જીવતો બચ્યો
જે ‘શોલે’ને સેન્સર બોર્ડ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવી હતી તેમાં ફિલ્મનો અંત કંઇક અલગ છે. તેમાં ઠાકુર ગબ્બરને ખિલ્લાવાળી મોજડીથી લાત મારતાં મારતાં ખીલ્લો લાગેલા એક થાંભલા પાસે લઇ જાય છે. તે ખીલ્લો ગબ્બરના શરીરમાં ઘૂસી જાય છે અને ગબ્બરનું મૃત્યુ થાય છે. આ સમયે ધર્મેન્દ્ર ઠાકુરને શાલ ઓઢાડે છે અને આખી ફિલ્મમાં ઉદાસ ચહેરે જોવા મળતા ઠાકુર ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગે છે.
પરંતુ તે સમયે કટોકટીનો માહોલ હતો અને સેન્સર બોર્ડના વાંધા બાદ રમેશ સિપ્પીએ ક્લાઇમેક્સ બદલાવીને ફિલ્મ રજૂ કરવી પડી. જેમાં એવું દર્શાવાયું હતું કે ઠાકુર ગબ્બરને પોલીસના હવાલે કરી દે છે.
અમિતાભ-જયા અને ધર્મેન્દ્ર-હેમા
‘શોલે’ના શૂટિંગ પહેલાં જ અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીના લગ્ન થઇ ગયા હતા. ‘શોલે’નું શૂટિંગ શરૂ થયું ત્યારે જયા ગર્ભવતી હતી. એક ઇન્ટરવ્યૂમાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે તેઓ ઘણી વખત શ્વેતા સાથે મજાક કરે છે કે એક રીતે જોઇએ તો તેં પણ ‘શોલે’માં કામ કર્યું છે.
ફિલ્મના પ્રીમિયર વખતે જયા ફરી ગર્ભવતી હતી અને અભિષેકનો જન્મ થવાનો હતો. ‘શોલે’નું શૂટિંગ એ સમય હતો જ્યારે ધર્મેન્દ્ર હેમા માલિનીને બહુ જ પસંદ કરતા હતા. બાદમાં બન્નેએ લગ્ન પણ કર્યા.
અનુપમા ચોપરાના પુસ્તક ‘શોલેઃ ધ મેકિંગ ઓફ એ ક્લાસિક’માં જણાવ્યા પ્રમાણે, મૌસી પાસે વીરુના લગ્નનું માંગુ લઇને જવાનો સીન સલીમ-જાવેદની અસલી જિંદગીમાંથી લેવામાં આવ્યો હતો. જાવેદ અખ્તરે હની ઇરાની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ સલીમ ખાન મારફત મોકલ્યો હતો.
પુસ્તક અનુસાર, સલીમ ખાને જઇને હની ઇરાનીના માતાને કહ્યું, ‘વો મેરા પાર્ટનર હૈ ઔર મેં કિસી કે સાથ કામ નહીં કરતા અગર વો મુઝે પસંદ ન હો. લેકિન દારૂ બહુ પીતા હૈ. આજકલ જ્યાદા તો નહીં પીતા બસ એક દો પૈગ. ઔર ઇસમેં કોઇ ખરાબી નહીં હૈ. વૈસે દારૂ પીને કે બાદ રેડ લાઇટ એરિયા ભી જાતા હૈ.’
શરૂઆતમાં ફ્લોપ હતી ‘શોલે’
‘શોલે’ રીલિઝ થઇ ત્યારે પહેલા ત્રણ અઠવાડિયા તો થિયેટરમાં કાગડા જ ઉડતા હતા. કહેવાય છે કે એક ટ્રેડ મેગેઝિને તો લેખ પણ પ્રકાશિત કર્યો હતો કે ‘શોલે’ શા માટે ફ્લોપ થઇ. તે વેળા ફિલ્મ અંગે એક ઉક્તિ બહુ જાણીતી બની હતી - તીન મહારથી ઔર એક ચૂહા (સંજીવ, અમિતાભ, ધર્મેન્દ્ર અને અમજદ).
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર લખ્યું છે કે આખું યુનિટ બહુ નિરાશ થયું હતું અને એવું નક્કી કરવામાં આવ્યું કે જયને જીવતો રાખવા માટે તે સીન ફરીથી શૂટ કરવો.
અમિતાભના કહેવા પ્રમાણે, તે દિવસે શનિવાર હતો એટલે રવિવારે શૂટિંગની તૈયાર થઇ જેથી સોમવારે ફિલ્મમાં નવેસરથી શૂટ કરાયેલો સીન જોડાઇ જાય.
જોકે રમેશ સિપ્પીએ કહ્યું કે ફરીથી શૂટિંગ કરતાં પહેલાં થોડીક વધુ રાહ જોઇ લઇએ. સ્પષ્ટ છે કે કોઇ સીન બદલવાની જરૂર જ ન પડી.
ગબ્બરનો રોલ
ગબ્બરનો રોલ કેટલાય અભિનેતાઓને ઓફર કરવામાં આવ્યો હતો. છેવટે આ રોલ ડેનીને મળ્યો અને ‘સ્ક્રીન’ મેગેઝિનના કવરપેજ પર ડેની સાથે ‘શોલે’ની સ્ટારકાસ્ટનો ફોટો પણ પ્રસિદ્ધ થયો હતો. પરંતુ ડેનીને તે અરસામાં અફઘાનિસ્તાનમાં ફિરોઝ ખાનની ‘ધર્માત્મા’ ફિલ્મનું શૂટિંગ કરવાનું હતું અને તેને ‘શોલે’ છોડવી પડી.
આ સમયે સલીમ ખાને જાવેદ અખ્તરને અમજદ ખાનનું નામ યાદ કરાવ્યું. જાવેદ અખ્તરે અમજદ ખાનને થોડાંક વર્ષ પહેલાં દિલ્હીમાં એક નાટકમાં અભિનય કરતો જોયો હતો અને સલીમ ખાન પાસે તેના વખાણ કર્યા હતા.
જ્યારે સલીમ-જાવેદ ગબ્બરના રોલ માટે કોઇ એક્ટરને શોધતા હતા ત્યારે સલીમ ખાને ચરિત્ર અભિનેતા જયંતના દીકરા અમજદ ખાનનું નામ સુચવ્યું. જોકે શૂટિંગ શરૂ થયા પછી એવા અભિપ્રાયો પણ રજૂ થયા હતા કે અમજદને બદલીને બીજા કોઇ અભિનેતાને લેવાની જરૂર છે કે પછી તેનો અવાજ ડબ કરવો જોઇએ.
એક ‘ફિલ્મફેર’ એવોર્ડ
૧૯૭૬માં ‘શોલે’ને ‘ફિલ્મફેર’ એવોર્ડની નવ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું, પરંતુ મોટા ભાગના એવોર્ડ ‘દીવાર’ ફિલ્મને મળ્યા હતા. ‘શોલે’ને એકમાત્ર એવોર્ડ એડિટિંગ માટે મળ્યો હતો.
સૂરમા ભોપાલી પર ગીત
ફિલ્મમાં એક ગીત હતું જે રેકોર્ડ તો થયું હતું, પણ તેનું શૂટિંગ ન થયું. ભોપાલની પરંપરાગત સ્ટાઇલમાં આ ગીત ગાવામાં આવ્યું હતું, જેના ગાયકોમાં એક આનંદ બક્ષી પણ હતા.
આ ગીતનું ફિલ્માંકન સૂરમા ભોપાલી પર થવાનું હતું. જગદીપનું આ કેરેક્ટર બહુ લોકપ્રિય થયું હતું. બાદમાં તેમણે સૂરમા ભોપાલી નામથી એક ફિલ્મ પણ બનાવી હતી, જેમાં તેની પ્રેમકહાની દર્શાવવામાં આવી હતી.
ગીતોની વાત કરીએ તો, ‘મહેબૂબા... મહેબૂબા’ પણ બહુ ચર્ચાસ્પદ બન્યું હતું. તે અરસામાં એક અંગ્રેજી ગીત આવ્યું હતું ‘સે યુ લવ મી...’. આ ગીત ડેમી નામના ગ્રીક ગાયકે ગાયું હતું. જો તમે તે અંગ્રેજી ગીત સાંભળશો તો મહેબૂબા ગીતની સંગીતરચના તમને સમાન લાગશે.
‘મજબૂર’ને નકારી ‘શોલે’ને અપનાવી
સિપ્પી પ્રોડક્શન્સના સ્ટોરી ડિપાર્ટમેન્ટમાં લગભગ ૭૫૦ રૂપિયાના પગારે કામ કરનારા સલીમ-જાવેદે રમેશ સિપ્પીને બે સ્ટોરી આઇડિયા સંભળાવ્યા હતા.
પહેલી સ્ક્રિપ્ટ ‘મજબૂર’ની હતી, જે સંવાદો સાથે સંપૂર્ણ તૈયાર હતી અને બીજો સ્ટોરી આઇડિયા હતો ‘શોલે’નો. રમેશ સિપ્પીએ ‘મજબૂર’ની તૈયાર સ્ક્રિપ્ટ ઠુકરાવીને સલીમ જાવેદને ‘શોલે’ની વાર્તા પર કામ કરવા જણાવ્યું. એ સમયે સ્ટોરી માત્ર થોડાંક વાક્યોમાં જ સમાયેલી હતી. બાય ધ વે, ‘શોલે’ની વાર્તા આ કેટલાક પ્રોડ્યુસર નકારી ચૂક્યા હતા.
જય-વીરુની જોડી
વીરુના રોલ માટે ધર્મેન્દ્રનું નામ નક્કી હતી, જે તે સમયે મોટા સ્ટાર હતા. જય માટે કોઇ એક્ટરની શોધખોળ ચાલતી હતી. આ સમયે શત્રુઘ્ન સિંહાના નામ અંગે પણ વિચારણા ચાલી કેમ કે તે સમયે તેમની ‘રામપુર કા લક્ષ્મણ’ જેવી ફિલ્મો બહુ હિટ થઇ હતી અને ડ્રિસ્ટ્રીબ્યુટરોને પણ તે પસંદ હતા. કમાઉ દીકરો કોને પસંદ ન હોય?!
બીજી તરફ, અમિતાભ બચ્ચનની એક-બે નહીં દસ ફિલ્મો ફ્લોપ ગઇ હતી. સલીમ-જાવેદે જ લખેલી ‘ઝંઝીર’માં તે અમિતાભ કામ કરી રહ્યા હતા અને તેમણે અમિતાભના નામની ભારપૂર્વક રજૂઆત કરી.
જોકે શરૂઆતમાં અમિતાભ ગબ્બરનો રોલ કરવા માગતા હતા. ‘શોલે’ દરમિયાન અમજદ ખાને અમિતાભ બચ્ચને ઉપનામ આપ્યું હતું - ‘શોર્ટી’.
આ મેગા સુપર-ડુપર હિટ ફિલ્મ ‘શોલે’માં સચિને પણ કામ કર્યું હતું, અને તેમને ફી પેટે એર કંડિશનર આપવામાં આવ્યું હતું.