જી. પી. સિપ્પીની ખૂબ જ યાદગાર ફિલ્મ ‘શોલે’ની રિમેક રામગોપાલ વર્માની આગ તેની રજૂઆતના ઘણા વર્ષ પછી પણ નિર્માતા-દિગ્દર્શક રામગોપાલ વર્માને દઝાડી રહી છે. વર્માની આ ફિલ્મમાં કોપીરાઈટ એક્ટનો ભંગ થયો હોવાનું માનીને દિલ્હી હાઈ કોર્ટે રામુને રૂ. દસ લાખનો દંડ ફટકાર્યો છે. રામુની આ ફિલ્મ વર્ષ ૨૦૦૪માં પ્રદર્શિત થઈ ત્યારે પણ ઘણો વિવાદ થયો હતો. જાણીતા સિપ્પી બેનરની ફરિયાદના પગલે ફિલ્મનું નામ ‘રામગોપાલ વર્મા કે શોલે’ને બદલે ‘રામગોપાલ વર્મા કી આગ’ રાખવું પડ્યું હતું. હવે કોર્ટે આ ફિલ્મમાં પાત્રોના નામ-સંવાદ, ગીત-સંગીત સહિત તમામ બાબતો નબળી નકલ હોવાનું સ્વીકારીને કોપીરાઈટ એક્ટના જાહેર ઉલ્લંઘન બદલ વર્માને રૂ. દસ લાખનો દંડ ફરિયાદી સિપ્પી પરિવારને ચૂકવવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્માની ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અજય દેવગણ, સુસ્મિતા સેન, રાજપાલ યાદવ અને નિશા કોઠારી જેવા કલાકારોએ અભિનય કર્યો હતો.