આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવી ચૂકેલી અને ઓસ્કરમાં બ્રિટનની સત્તાવાર એન્ટ્રી તરીકે રજૂ ફિલ્મ ‘સંતોષ’ ભારતના દર્શકોને જોવા નહીં મળે. ગયા વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાયેલી આ ફિલ્મને ભારતમાં રિલીઝ કરવા ભારતીય સેન્સર બોર્ડે મંજૂરી આપી નથી. આ ફિલ્મ ભારતના પોલીસ દળમાં પ્રવર્તી રહેલી ક્રૂરતા, ઇસ્લામોફોબિયા અને સમાજની સચ્ચાઈ પર આધારિત હોવાનો દાવો કરાય છે. ફિલ્મના દિગ્દર્શક સંધ્યા સૂરીએ જણાવ્યું છે કે ભારતીય સેન્સર બોર્ડની મંજૂરી ના મળતાં ફિલ્મ ભારતમાં રિલીઝ નહીં થઈ શકે. તેમણે આ મુદ્દે નારાજગી પણ વ્યક્ત કરી છે. સેન્સર બોર્ડે ફિલ્મના અનેક દૃશ્યો સામે નારાજગી દર્શાવીને તે દૃશ્યો દૂર કરવા જણાવ્યું છે. સંધ્યા સુરીએ જણાવ્યું કે ભારતમાં ફિલ્મ રિલીઝ થાય તે મહત્ત્વનું હોવાથી સેન્સર બોર્ડે સૂચવેલા કટ કરવા તેમણે પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તે દૃશ્યોને ફિલ્મમાંથી દૂર કરવા અને ફિલ્મનું હાર્દ પણ જાળવવું તે બાબત ખુબ મુશ્કેલ છે.
આ બહુચર્ચિત ફિલ્મમાં શહાના ગોસ્વામી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. બ્રિટને આ ફિલ્મને ઓસ્કર માટે મોકલી હતી. ‘બાફ્ટા’માં આ ફિલ્મ નોમિનેટ થઈ હતી. આ ફિલ્મ માટે શહાના ગોસ્વામીએ એશિયન ફિલ્મની બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ જીત્યો છે. ભારતીય કલાકારોને લઈને હિન્દીમાં તૈયાર થયેલી આ ફિલ્મનું શૂટિંગ પણ ભારતમાં જ થયું છે. ઉત્તર ભારતની પૃષ્ઠભૂમિમાં બનેલી આ ફિલ્મ એક વિધવા મહિલાના જીવન પર આધારિત છે.