ભારતીય ફિલ્મોમાં હવે કિસિંગ સીનની નવાઇ નથી, પણ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને હાલમાં બોન્ડ સિરીઝની ‘સ્પેક્ટર’ને ભારતમાં રિલીઝ કરતાં પહેલાં લાંબા કિસિંગ સીન પર કાતર ફેરવી છે. આ ઘટના પછી નિર્માતા પહલાજ નિહલાનીના વડપણ હેઠળના સેન્સર બોર્ડ પર ભારતીય દર્શકોએ એવો રોષ વ્યક્ત કર્યો છે કે, ભારતીય સેન્સર બોર્ડ મનફાવે તેમ ફિલ્મો પર કાતર ચલાવી રહ્યું છે. સાથે ટ્વિટર સહિતના માધ્યમો પર ‘સંસ્કારી જેમ્સ બોન્ડ’ જેવા કટાક્ષ પણ જોવા મળી રહ્યા છે.
નિહલાણી પોતે ક્યાં દૂધે ધોયેલા છે!
સેન્સર બોર્ડના માધ્યમથી સમગ્ર ભારતને સંસ્કારી બનાવવાના ઉધામા કરી રહેલા નિહલાની સામે દર્શકો અને કેટલાક ફિલ્મસર્જકો દલીલ કરી રહ્યા છે કે, ડેવિડ ધવનની દ્વિઅર્થી સંવાદો અને ગીતો ધરાવતી મોટાભાગની ફિલ્મોના નિર્માતા નિહલાની છે. તેમની ૧૯૯૪ની ફિલ્મ ‘અંદાઝ’ના મોટાભાગના ગીતોના શબ્દો તથા પિકચરાઇઝેશન પણ અશ્લીલ અને દ્વિઅર્થી હતા. ફિલ્મસર્જક સાજિદ ખાને નિહલાનીને દંભી ગણાવતાં ‘અંદાઝ’ના એક ગીતનો વીડિયો પણ ઇન્ટરનેટ પર વહેતો મૂક્યો હતો.