મુંબઈ/નવી દિલ્હી: બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન તેના નિવેદનના કારણે ફરી એકવાર વિવાદમાં છે. સલમાને એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ફિલ્મ ‘સુલતાન’માં એક પહેલવાનની ભૂમિકા માટે મને રેપ વિક્ટીમ એટલે કે એક બળાત્કાર પીડિતા જેવો અહેસાસ થયો હતો. આ શૂટિંગનો થાક એક બળાત્કાર પીડિતા જેવો હતો. આ નિવેદન પછી સલમાન સામે જોરદાર દેશભરમાં જોરદાર આક્રોશ ફાટી નીકળ્યો છે. એટલું જ નહીં, સલમાનના પિતા સલીમ ખાને આ નિવેદન બદલ માફી પણ માગવી પડી છે.
સલમાને કહ્યું હતું કે, ‘સુલતાન’નું શૂટિંગ ભયાનક થાક આપનારું હતું. આ ફિલ્મ માટેની ટ્રેઇનિંગ, ધૂળ-માટીમાં શૂટિંગ અને એક્શન વગેરે ખૂબ થકવાડી દેતું હતું. ત્યાર પછી હું ચાલતો હતો ત્યારે મને બળાત્કાર પીડિતા જેવી લાગણી થતી હતી. જોકે, આવા શબ્દો મારે નહીં બોલવા જોઈએ. હું ૧૨૦ કિલોના માણસને દસ જુદી જુદી રીતે રિંગમાં પટકતો હતો, જે સરળ ન હતું. રિંગની બહાર હું આવું ત્યારે મને થતું કે, હું એક એવી મહિલા છું, જેના પર બળાત્કાર થયો છે. હું સીધો ચાલી પણ નહોતો શકતો. આ અંગે સલમાનના પિતા સલીમખાને માફી માગી છે. ખાને કહ્યું છે કે, તેનો ઈરાદો ખોટો ન હતો. તેણે ફક્ત વાતચીતમાં આવું કહી દીધું છે. જોકે, આ નિવેદનનો નેશનલ કમિશન ફોર વિમેન અને દેશભરની મહિલા રાજકારણીઓએ જોરદાર વિરોધ કર્યો છે.