ચેન્નઇ: ટીમ ઇન્ડિયાના દિગ્ગજ સ્પિનર આર. અશ્વિનનું અનેરું સન્માન કરવામાં આવ્યું છે. અશ્વિને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શનની સાથે જ, ખાસ કરીને રમતના સૌથી લાંબા ફોર્મેટમાં ભારતના સર્વશ્રેષ્ઠ બોલર્સ પૈકીના એક તરીકે પોતાનું કદ વધાર્યુ છે. આ ટેસ્ટ સિરીઝમાં અશ્વિને અનેક સિદ્ધિઓ મેળવી હતી. જેમાં રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન તેમણે કેરિયરની 500મી વિકેટ ઝડપી હતી. તે બાદ ધરમશાલામાં કેરિયરની 100મી ટેસ્ટ મેચ પણ રમ્યો હતો. આ શાનદાર સિદ્ધ પ્રાપ્ત કરવા બદલ તામિલનાડુ ક્રિકેટ એસોસિયેશને (ટીએનસીએ) અશ્વિનનું અનેરું સન્માન કર્યુ હતું. ટીએનસીએ દ્વારા એક કાર્યક્રમમાં અશ્વિનને સોનાના 500 સિક્કા, એક સેંગોલ અને વિશેષ બ્લેઝર આપીને સન્માનિત કર્યું હતું. સાથે જ અશ્વિનને રૂ. એક કરોડનું રોકડ પારિતોષિક પણ પ્રદાન કરાયું હતું.
ધોનીનો આજીવન કર્જદાર રહીશ: અશ્વિન
સ્ટાર ઓફસ્પિનર આર. અશ્વિન હજુ સુધી રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે આઈપીએલ 2011ની ફાઇનલમાં ધોની દ્વારા નવા બોલની સોંપણી કરીને તેના પર મુકેલા વિશ્વાસને ભુલી શક્યો નથી. ચોથા જ બોલે ઝડપેલી ગીલની વિકેટે તેની કેરિયરને એક નવી દિશા આપી હતી. તામિલનાડુ ક્રિકેટ સંઘ દ્વારા તેના સન્માનમાં યોજવામાં આવેલા સમારોહમાં અશ્વિને જણાવ્યું હતું કે ધોનીએ મને જે તક આપી તેના માટે હું જીવનભર તેનો ઋણી રહીશ. સામે કિસ ગીલ હતો ત્યારે જ તેણે મને નવો બોલ આપ્યો હતો.