કોલંબોઃ ભારતના જમણેરી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે માત્ર 16 બોલમાં પાંચ વિકેટ ઝડપીને સૌથી ઓછા બોલમાં પાંચ વિકેટ પુરી કરવાના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લીધી હતી. સિરાજે ઓવરઓલ 7 ઓવરમાં 1 મેડન સાથે 21 રન આપીને છ વિકેટ મેળવી હતી. સિરાજની પહેલી ઓવર મેડન રહી હતી. જ્યારે તેની બીજી ઈનિંગની ચોથી ઓવરમાં તેણે ચાર વિકેટ ઝડપી હતી. આ પછી સિરાજે તેની ત્રીજી અને ઈનિંગની છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર શનાકાને આઉટ કરતાં માત્ર 16 જ બોલમાં પાંચ વિકેટ પૂરી કરી હતી. સિરાજે ત્યાર બાદ છઠ્ઠી વિકેટના રૂપમાં મેન્ડિસને આઉટ કર્યો હતો. સિરાજ અગાઉ આવી સિદ્ધિ શ્રીલંકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ચામિન્ડા વાસે મેળવી હતી. વાસે 2003માં બાંગ્લાદેશ સામેની વન-ડેમાં માત્ર 16 જ બોલમાં પાંચ વિકેટ પુરી કરીને વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો.