લંડન: વેસ્ટ ઇન્ડિઝ સામે થયેલા કારમા પરાજય બાદ હતાશ થયેલા ઇંગ્લેન્ડના સુકાની જોઈ રુટે ટેસ્ટ ટીમના સુકાનીપદેથી રાજીનામું આપી દીધું છે. રુટ છેલ્લા પાંચ વર્ષથી ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ રમવાનો અને જીતવાનો રેકોર્ડ રૂટના નામે છે. રુટે ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમ માટે 27 ટેસ્ટ મેચ જીતીને માઈકલ વોન (26), સર એલિસ્ટર કૂક (24) અને સર એન્ડ્રુ સ્ટ્રોસ (24)ને પાછળ છોડી દીધા છે. તેણે કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે મારા દેશની કેપ્ટનશીપ કરવાનું મને ખૂબ જ ગર્વ છે અને હું છેલ્લા પાંચ વર્ષને ખૂબ ગૌરવ સાથે નિહાળીશ. ઈંગ્લેન્ડ ક્રિકેટના કસ્ટોડિયન તરીકે સેવા આપવી એ સન્માનની વાત છે.
2017માં સર એલિસ્ટર કૂકના સ્થાને આવ્યા બાદ રુટે ઈંગ્લેન્ડને ઘણી સીરીઝમાં જીત અપાવી હતી. જેમાં 2018માં ભારત સામે 4-1થી ઘરઆંગણે સિરીઝ અને 2020માં દક્ષિણ આફ્રિકા સામે 3-1થી જીતનો સમાવેશ થાય છે. 2018માં તેઓ 2001ની સાલ પછી શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી જીતનાર ઇંગ્લેન્ડનો પ્રથમ પુરુષ કેપ્ટન બન્યો હતો. રુટે 2021માં શ્રીલંકાને 2-0થી હરાવીને આ રેકોર્ડનું પુનરાવર્તન કર્યું હતું.
બેટ્સમેન તરીકે રુટ ઈંગ્લેન્ડ માટે ભૂતપૂર્વ અનુભવી કૂક પછી બીજા નંબરનો સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ખેલાડી છે. કેપ્ટન તરીકે રુટે ઈંગ્લેન્ડ માટે 14 ટેસ્ટ સદી ફટકારી હતી. કેપ્ટન તરીકે રુટના 5295 રન ઈંગ્લેન્ડના કોઈ પણ કેપ્ટન દ્વારા કરાયેલા સૌથી વધુ રન છે. સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર કેપ્ટનોની યાદીમાં રુટ ગ્રીમ સ્મિથ, એલન બોર્ડર, રિકી પોન્ટિંગ અને વિરાટ કોહલી પછી પાંચમા નંબરે છે.