રિયાધ: સાઉદી અરેબિયાએ ઇન્ટરનેશનલ ક્રિકેટની સર્વાધિક નફો કરતી ઇવેન્ટ એવી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં અબજો ડોલરનો હિસ્સો ખરીદવા રસ દાખવ્યો છે. અહેવાલ અનુસાર, આઇપીએલને 30 બિલિયન ડોલરનું મૂલ્ય ધરાવતી હોલ્ડિંગ કંપનીમાં રૂપાંતરિત કરવા સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સલાહકારોએ ભારત સરકારના અધિકારીઓને સૂચવ્યું છે. સાથે સાથે જ કહ્યું છે કે આમ થયા બાદ સાઉદી આઇપીએલમાં નોંધપાત્ર હિસ્સો ખરીદી શકે છે.
મોહમ્મદ બિન સલમાન આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારતના પ્રવાસે આવ્યા હતા ત્યારે આ સંબંધમાં વાટાઘાટો થયાનું કહેવાય છે. તે સમયે થયેલી ચર્ચા અનુસાર સાઉદીએ આઇપીએલમાં પાંચ બિલિયન ડોલરનું રોકાણ કરવાની અને ઈંગ્લિશ પ્રીમિયર લીગ તથા યુરોપિયન ચેમ્પિયન્સ લીગની માફક અન્ય દેશોમાં આઇપીએલનું વિસ્તરણ કરવામાં મદદરૂપ થવાની દરખાસ્ત મૂકી હતી. સાઉદી આ ડીલ કરવા આતુર છે જયારે ભારત સરકાર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી બાદ દરખાસ્ત અંગે નિર્ણય લે તેવી શકયતા છે. જો આ ડીલ થઇ તો સાઉદી ઘરઆંગણાની અગાઉની સ્પોર્ટ્સ ઇવેન્ટ્સની માફક ભંડોળ માટે સોવરિન ફંડનો ઉપયોગ કરી શકે છે. જોકે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.
આઇપીએલમાં અરામ્કો અને સાઉદી ટૂરિઝમ ઓથોરિટી સહિતના પ્રાયોજકોની ભરમાર છે અને આઇપીએલની દરેક સિઝન માત્ર બે મહિના ચાલતી હોવા છતાં ગયા વર્ષે બિડર્સે આઇપીએલના 2020 સુધીના પ્રસારણના રાઇટ્સ માટે 6.2 બિલિયન ડોલર મતલબ કે આઇપીએલની એક મેચના પ્રસારણ દીઠ 1.51 કરોડ ડોલર ચૂકવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આઇપીએલમાં સાઉદી રોકાણ કરશે કે લીગના ફોરમેટમાં ફેરફાર કરાશે તો મીડિયા રાઈટ્સ માટેના એગ્રીમેન્ટ્સ પણ નવેસરથી કરવા પડશે.
સાઉદી ગ્લોબલ ક્રિકેટિંગ ડેસ્ટિનેશન બનવા ઉત્સુક
છેલ્લા કેટલાંક વર્ષોમાં સાઉદીએ સ્પોર્ટ્સ પાછળ અબજો ડોલરનો ખર્ચ કર્યો છે અને સાઉદીની સ્પોર્ટ્સ ગવર્નિંગ બોડીના ચેરમેનનું કહેવું છે કે તેઓ સાઉદીને ગ્લોબલ ક્રિકેટિંગ ડેસ્ટિનેશન બનાવવા માંગે છે.