ધરમશાલાઃ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર 41 વર્ષીય એન્ડરસને ભારત સામેની પાંચમી અને આખરી ટેસ્ટમાં કુલદિપ યાદવની વિકેટ લીધી તે સાથે જ ઇતિહાસ રચ્યો હતો. આ તેની ટેસ્ટ કારકિર્દીની 700મી વિકેટ હતી. આ સાથે જ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ સીમાચિહન હાંસલ કરનાર પ્રથમ ફાસ્ટ બોલર બન્યો છે.
એન્ડરસનની આ 187મી ટેસ્ટ હતી. ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં મુરલીધરન 800, અને બીજા ક્રમે વોર્ન 708 વિકેટો મેળવનાર ટોચના બે બોલરો છે પણ તેઓ સ્પિનર છે. જ્યારે એન્ડરસન આ યાદીમાં પ્રથમ ફાસ્ટ બોલર છે. ટોપ ટેન બોલરમાં એન્ડરસન (700), બ્રોડ (604), મેકગ્રા (563) અને વોલ્શ (519) એમ ચાર ફાસ્ટ બોલરો છે.
ધરમશાળામાં રમાયેલી આ પાંચમી ટેસ્ટમાં એન્ડરસન ઉતર્યો ત્યારે તેને 700 વિકેટ માટે બે વિકેટ ખૂટતી હતી. ગીલને તેણે ક્લીન બોલ્ડ કર્યો હતો અને પછી કુલદિપ યાદવને વિકેટ પાછળ ઝીલાવ્યો હતો. એન્ડરસને 22 વર્ષની ટેસ્ટ કારકિર્દી બાદ આ સિદ્ધિ મેળવી હતી. 2002માં એન્ડરસને ઓસ્ટ્રેલિયા સામે તેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમી હતી.