લોર્ડ્ઝઃ માત્ર 20વર્ષની ઉંમરે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કરનારા એન્ડરસને બે દસકા લાંબી કારકિર્દી બાદ 41 વર્ષની વયે નિવૃત્તિ જાહેર કરી છે. ઈંગ્લેન્ડ તરફથી 21 વર્ષની ટેસ્ટ કારકિર્દી દરમિયાન એન્ડરસને 704 ટેસ્ટ વિકેટ સાથે સૌથી વધુ ટેસ્ટ વિકેટ ઝડપનારા ફાસ્ટર તરીકે વિદાય લીધી છે. લોર્ડ્ઝમાં વિન્ડિઝ સામેની આખરી ટેસ્ટમાં ચાર વિકેટ ઝડપીને વિદાય લેતાં એન્ડરસન ભાવુક બન્યો હતો. તેણે કહ્યું હતુ કે, મને ગર્વ છે કે, હું કારકિર્દી દરમિયાન મોટાભાગે ઈજામુક્ત રહી શક્યો અને મને બે દાયકાથી વધુ સમય સુધી રાષ્ટ્રીય ટીમ તરફથી રમવાનું ગૌરવ મળ્યું.
એન્ડરસન ટેસ્ટ ઈતિહાસમાં 700થી વધુ વિકેટ ઝડપનારા સૌપ્રથમ ફાસ્ટર તરીકેનો રેકોર્ડ ધરાવે છે. જ્યારે ટેસ્ટ ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ ઝડપવામાં મુરલીધરન અને વોર્ન પછી સ્થાન ધરાવે છે. જ્યારે ટેસ્ટમાં તે 40,000થી વધુ બોલ નાંખનારો પહેલો ફાસ્ટર છે. તેણે ઈંગ્લેન્ડ તરફથી કુલ 109 સાથી ખેલાડીઓ સાથે રમવાનો અનોખો રેકોર્ડ સર્જ્યો છે. એન્ડરસને કહ્યું કે, ઈંગ્લેન્ડ તરફથી રમવું એ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ કામ છે અને તેમને લાંબા સમય સુધી કરવાની તક મળી તેનો મને ગર્વ છે. એન્ડરસને ગુડાકેશ મોતીનો કેચ પડતો ન મૂક્યો હોત તો તે 705 વિકેટ સાથે નિવૃત્ત થઈ શકે તેમ હતો.
આંસુ રોકવા કોશિશ કરું છું
એન્ડરસને કહ્યું કે, મારી કારકિર્દીનો આખરી દિવસ અત્યંત લાગણીસભર રહ્યો. મને બંને ટીમોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું. પ્રેક્ષકોનો પ્રતિસાદ પર અત્યંત ભાવુક હતો. હું હજુ પણ મારા આંસુઓને ખાળવા કોશિશ કરી રહ્યો છું. એક ફાસ્ટ બોલર હોવા છતાં 20 વર્ષથી વધુ સમય રમી શક્યો તેનું મને ગર્વ છે.
તેણે કહ્યું હતું કે દરેક મેચમાં અને દરેક શ્રેણીમાં હું આ જ આ એકમાત્ર લક્ષ્ય સાથે જ ઉતરતો રહ્યો છું. ઓસ્ટ્રેલિયા અને ભારતની ભૂમિ પર મેળવેલા વિજયો મારી કારકિર્દીમાં વિશેષ સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ઈંગ્લેન્ડની ટીમને વર્લ્ડ રેન્કિંગમાં ટોચ પર પહોંચાડવામાં આપેલું પ્રદાન પણ મહત્ત્વનું છે.