ટેમ્પરે (ફિનલેન્ડ)ઃ ઉંમર તો ફક્ત આંકડો છે... આ ઉક્તિ ભારતનાં 94 વર્ષીય ભગવાની દેવીએ સાબિત કરી દીધી છે. જે ઉંમરે લોકોને ઉઠવા-બેસવામાં પણ તકલીફ થતી હોય છે તે ઉંમરે તેમણે વિદેશમાં ભારતીય ત્રિરંગાનું માન વધાર્યું છે. તેમણે વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સીનિયર સિટિઝન કેટેગરીમાં 100 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો અને બાદમાં શોટપૂટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આમ 94 વર્ષે પણ તેમણે સાબિત કરી દીધું છે કે ઈચ્છાશક્તિ હોય તો કોઈ પણ ઉંમરમાં સિદ્ધિ હાંસલ કરી શકાય છે. સોશિયલ મીડિયામાં તેમની આ જ્વલંત સિદ્ધિની ચર્ચા થઈ રહી છે અને લોકો તેમના પર અભિનંદનની વર્ષા કરી રહ્યા છે. ફિનલેન્ડના ટેમ્પરેમાં યોજાયેલી વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સ્પ્રિન્ટર દાદી ભગવાનીએ 100 મીટર સ્પ્રિન્ટ ઈવેન્ટમાં આ કમાલ કરી છે.
તેમણે 24.74 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે શોટપુટ એટલે કે ગોળાફેંકમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ત્રિરંગાવાળી જર્સીમાં સજ્જ ભગવાની દાદીએ ફિનલેન્ડમાં ત્રિરંગો લહેરાવી દીધો હતો.
સોશિયલ મીડિયા પર પણ તેમની આ તસ્વીર ઘણી વાયરલ થઈ છે અને તમામ લોકો તેમની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. આ ઉંમરમાં તેમણે આવી સિદ્ધિ નોંધાવી તેનાથી લોકો પણ ગર્વ અનુભવી રહ્યા છે. મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર તેમની તસ્વીર પોસ્ટ કરી છે અને તેમની પ્રશંસા કરી છે.
મંત્રાલયે તેમની તસ્વીર પોસ્ટ કરીને લખ્યું છે કે, ભારતનાં 94 વર્ષીય ભગવાની દેવીજીએ ફરી એક વખત સાબિત કરી દીધું છે કે ઉંમર તો ફક્ત આંકડો છે. તેમણે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા. આ ઘણું જ સાહસિક પ્રદર્શન છે.