દુબઇ: ભારતના ક્રિકેટ ક્ષેત્રના કુશળ વહીવટકર્તા જય શાહે રવિવારે ક્રિકેટ જગતની સર્વોચ્ચ સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. આ સાથે જ શાહ સમક્ષ હવે પ્રથમ જવાબદારી તરીકે ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લઈને ચાલી રહેલી ગૂંચવણનો અંત લાવવાની રહેશે.
માત્ર 36 વર્ષીય જય શાહ છેલ્લા પાંચ વર્ષથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સેક્રેટરી તરીકે કાર્યરત હતા. જય શાહ આઈસીસીના સર્વોચ્ચપદ પર બિરાજમાન થનાર પાંચમા ભારતીયની સાથે સૌથી યુવા વ્યક્તિ બન્યા છે. આગામી કેટલાક વર્ષોમાં શાહના નેતૃત્વમાં વૈશ્વિક સંસ્થા ક્રિકેટને વ્યવસાયિક રીતે વાજબી ઓલિમ્પિક રમત તરીકેનો દરજ્જો અપાવવા કામગીરી હાથ ધરશે.
બાર્કલેના અનુગામી
જય શાહની આઈસીસીના ચેરમેન તરીકે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે સર્વાનુમતે પસંદગી કરી હતી. શાહ ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલેના અનુગામી બનશે લેશે. બાર્કલેએ સળંગ ત્રીજી ટર્મ માટે આઈસીસીના ચેરમેન પદે યથાવત્ રહેવાનો ઈનકાર કર્યો હતો. અગાઉ આઇસીસીના ચેરમેનની જવાબદારી સંભાળી ચૂકેલા ભારતીયોમાં સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ જગમોહન દાલમિયા, રાજનેતા શરદ પવાર, કાનૂનવિદ્ શશાંક મનોહર અને ઉદ્યોગસાહસિક એન. શ્રીનિવાસનનો સમાવેશ થાય છે.
ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનનો પડકાર
ચેમ્પિયન્સ ટ્રોફીના યજમાન પાકિસ્તાને હાઈબ્રિડ મોડેલથી ટુર્નામેન્ટનું આયોજન કરવા શરતી તૈયારી દર્શાવી છે. શાહ સમક્ષ હવે ચેમ્પિયન્સ ટ્રોફીના કાર્યક્રમને આખરીરૂપ આપીને બહાલી આપવાની મહત્વની કામગીરી રહેશે. દુબઈમાં શનિવારે મળેલી આઈસીસી બેઠકમાં પાકિસ્કાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ ચોક્કસ શરતો સાથે હાઈબ્રિડ મોડેલ સાથે ચેમ્પિયન ટ્રોફી યોજવાની તૈયારી દર્શાવી હતી. પીસીબીએ જણાવ્યું કે, 2031 સુધીની આઈસીસી ટુર્નામેન્ટ્સ કે જેમાં ભારત સહ-આયોજક અથવા યજમાન હોય તે પણ હાઈબ્રિડ મોડેલ સાથે યોજવામાં આવે.
જય શાહે હવે આઈસીસીના વડા તરીકે પીસીબી અને તેના પૂર્વ સાથી બીસીસીઆઈ સાથે તાલમેલ મિલાવતા યોગ્ય સમાધાન શોધવું પડશે. ભારતીય ટીમને ભારત સરકારની મંજૂરી નહીં મળતા તે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાનનો પ્રવાસ નહીં ખેડે.
‘ઓલિમ્પિક્સમાં ક્રિકેટ માટે તૈયારી’
જય શાહે આઈસીસી ચેરમેન તરીકે તેમની પ્રાથમિકતા અંગે વાત કરતા ચેમ્પિયન્સ ટ્રોફીનો ઉલ્લેખ કર્યો નહતો. ક્રિકેટ માટે આ ઉત્સાહકારક સમય છે, અમે લોસ એન્જલસ 2028 ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થાય તેની તૈયારી કરી રહ્યા છીએ. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે ચાહકો માટે ક્રિકેટને વધુ સમાવિષ્ટ તથા આકર્ષક બનાવવાનો પ્રયાસ રહેશે. ક્રિકેટ અનેક ફોરમેટમાં રમાઈ રહ્યું છે ત્યારે પ્રવર્તમાન સમય ઘણો નિર્ણાયક છે તેમજ મહિલા ક્રિકેટના વિકાસને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. હું આઈસીસીની ટીમ તથા સભ્ય દેશો સાથે નિકટતાથી કામ કરવા અને રમતને નવી ઊંચાઈએ લઈ જવા ઉત્સુક છું, તેમ જય શાહે જણાવ્યું હતું. છેલ્લા ચાર વર્ષમાં ગ્રેગ બાર્કલેએ આઈસીસીમાં આપેલા યોગાદનને જય શાહે બિરદાવ્યું હતું અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. જય શાહ પછી બીસીસીઆઈ સેક્રેટરી કોણ બનશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.