દુબઈઃ આઈસીસીએ વર્લ્ડ કપમાં રમેલી તમામ ટીમોના ખેલાડીઓમાંથી સર્વશ્રેષ્ઠ ટીમ પસંદ કરી છે અને તેમાં રોહિત શર્માને સુકાની બનાવવા ઉપરાંત છ અન્ય ભારતીય ખેલાડીઓને સ્થાન આપ્યું છે.
વર્લ્ડ ચેમ્પિયન બનેલી ઓસ્ટ્રેલિયાના માત્ર બે ખેલાડીઓને બેસ્ટ વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યું છે. સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાના એક-એક ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સના કોઈ ખેલાડીને સ્થાન મળ્યું નથી.
ઓપનર તરીકે રોહિતની સાથે સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડી કોકની પસંદગી કરવામાં આવી છે. રોહિતે ટૂર્નામેન્ટની 11 મેચમાં 597 રન બનાવ્યા હતા. ત્રીજા ક્રમે કોહલીનો સમાવેશ કરાયો છે જેણે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ હાંસલ કર્યો હતો. ચોથા ક્રમે ભારતીય બોલર્સ સામે દબદબો મેળવનાર ન્યૂઝીલેન્ડના ડેરિલ મિચેલને સ્થાન અપાયું છે. પાંચમા ક્રમે લોકેશ રાહુલની પસંદગી થઈ છે. ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલની પણ પસંદગી કરાઇ છે. શ્રીલંકાના યુવા બોલર દિલશાન મદુશંકા અને ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પાની સ્પિનર તરીકે પસંદગી થઈ છે. પેસ આક્રમણમાં ભારતના જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીનો સમાવેશ કરાયો છે. સાઉથ આફ્રિકાનો ગેરાલ્ડ કોએત્ઝી 12મો ખેલાડી રહેશે.
આઇસીસીની સર્વશ્રેષ્ઠ ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, વિરાટ કોહલી, ડેરિલ મિચેલ, લોકેશ રાહુલ, ગ્લેન મેક્સવેલ, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, એડમ ઝમ્પા અને દિલશાન મદુશંકા, ગેરાલ્ડ કોએત્ઝી (12મો ખેલાડી)