નવી દિલ્હી: આઇપીએલ સિઝન-15 જામી છે ત્યારે જ ફરી એક વખત આ ટૂર્નામેન્ટ સટ્ટાબાજી અને મેચ ફિક્સિંગના વિવાદમાં ઘેરાઈ છે. સીબીઆઈએ ઘટસ્ફોટ કર્યો છે કે, દેશમાં સટ્ટેબાજોનું નેટવર્ક પાકિસ્તાનમાંથી ઈનપુટ્સ મેળવીને ભારતમાં આઇપીએલની મેચમાં ફિક્સિંગ કરતું હતુ. વર્ષ ૨૦૧૯ની આઇપીએલની કેટલીક મેચ ફિક્સ થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. સીબીઆઇએ દિલ્હી ઉપરાંત જોધપુર, જયપુર અને હૈદરાબાદમાં કેટલાક સ્થળોએ દરોડા પાડીને સાત આરોપી સામે બે એફઆઇઆર નોંધી છે.
એફઆઇઆર અનુસાર કુલ રૂ. ૧૧ કરોડના વ્યવહારો થયા હોવાનું બહાર આવ્યું છે. ફરી એક વખત આઇપીએલમાં મેચ ફિક્સિગનો વિવાદ સામે આવ્યો છે ત્યારે સીબીઆઇએ જણાવ્યું છે કે, આરોપીઓ ભારતમાં લોકો પાસેથી ઉઘરેલા સટ્ટાના નાણા હવાલા મારફતે વિદેશોમાં પણ મોકલતા હતા. મેચ ફિક્સિંગ અને સટ્ટેબાજીના આ રેકેટમાં કેટલાક સરકારી કર્મચારીઓ-અધિકારીઓ સામેલ હોવાના મામલે પણ સીબીઆઇ તપાસ કરે છે.
લલિત મોદીએ ટ્વિટ કર્યું હતું
ઉલ્લેખનીય છે કે આઈપીએલના સસ્પેન્ડેડ કમિશનર લલિત મોદીએ 2019માં જ આઈપીએલમાં ફિક્સિંગ અંગે કરેલી એક ટ્વિટ તે વેળા સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ બની હતી. લલિત મોદીએ તેમના એકાઉન્ટ પરથી પહેલી એપ્રિલ, 2019ના રોજ દિલ્હી- કોલકાતા મેચનો એક વીડિયો ટ્વિટ કર્યો હતો. જેમાં લામિચ્છાને બોલિંગ કરી રહ્યો છે ત્યારે વિકેટ પાછળ ઊભેલો પંત એમ કહેતો સાંભળી શકાય છે કે ‘યે તો વૈસે ભી ચોક્કા હૈ’. આ પછી તે બોલ પર ચોક્કો જ નોંધાય છે. લલિત મોદીએ આ વીડિયોની સાથે આઈપીએલમાં ફ્કિસિંગનો આક્ષેપ મૂકતાં લખ્યું હતું કે ક્રિકેટના ઓફિશિઅલ્સને કંઈ પડી નથી.