નવી દિલ્હીઃ વિશ્વની સૌથી ધનાઢ્ય અને લોકપ્રિય ટી20 લીગ એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટી20 સિઝન 2024નો 22 માર્ચથી પ્રારંભ થશે. આ વખતની આઈપીએલની તમામ મેચ ભારતીય મેદાનો પર જ રમાશે તેમ આઇપીએલના ચેરમેન અરુણ ધુમાલે માહિતી આપતા જણાવ્યું હતું. અગાઉ એવી શંકા હતી કે ભારતમાં યોજાનારી આગામી લોકસભાની ચૂંટણીઓને કારણે આઈપીએલની મેચો ભારત બહાર યોજાઈ શકે છે.
આઇપીએલની પરંપરા મુજબ તેની પ્રથમ મેચ ગયા વર્ષના ચેમ્પિયન (ચેન્નાઈ સુપર કિંગ્સ) અને રનર્સ અપ (ગુજરાત ટાઇટન્સ) વચ્ચે રમાશે. આ વખતની આઇપીએલમાં રમનારા ખેલાડીઓની હરાજી ડિસેમ્બર 2023માં યોજાઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક સૌથી મોંઘો ક્રિકેટર બન્યો હતો. તેને કોલાકતા નાઇટ રાઇડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. છેલ્લા બે વર્ષથી ગુજરાત ટાઇટન્સને ફાઈનલ સુધી પહોંચાડનારો સુકાની હાર્દિક પંડયા આ વખતે મુંબઈ ઇન્ડિયન્સ માટે રમનારો છે અને તે મુંબઈની આગેવાની લેશે.
ભારતમાં આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાનારી છે અને તેને કારણે જ હજી સુધી 17મી આઈપીએલની તારીખો જાહેર કરાઈ નહોતી.. ધુમાલે જણાવ્યું હતું કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રથમ 15 દિવસની મેચોનો કાર્યક્રમ જાહેર થયો છે અને ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ બાકી રહેલી મેચોનો કાર્યક્રમ જાહેર કરાશે. લોકસભાની ચૂંટણીની તારીખો આગામી મહિનાના પ્રથમ સપ્તાહમાં જાહેર થયા તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં દર પાંચ વર્ષે યોજાતી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને 2009ની આઈપીએલની તમામ મેચ સાઉથ આફ્રિકામાં યોજાઈ હતી જ્યારે 2014માં તેની કેટલીક મેચ યુનાઈટેડ આરબ અમિરાતમાં રમાઈ હતી. જોકે 2019માં ચૂંટણીઓ હોવા છતાં આ ટી20 લીગની તમામ મેચ ભારતમાં જ રમાઈ હતી. આ વખતે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં જૂન મહિનામાં ટી20 વર્લ્ડ કપ યોજાનારો છે તેને ધ્યાનમાં રાખીને આઇપીએલની ફાઈનલ મોટા ભાગે 26 મેના રોજ રમાશે. ટી20 વર્લ્ડ કપમાં ભારત તેની પ્રથમ મેચ પાંચમી જૂને ન્યૂ યોર્ક ખાતે આયર્લેન્ડ સામે રમનારું છે જ્યારે વર્લ્ડ કપની પ્રથમ મેચ અમેરિકા અને કેનેડા વચ્ચે પહેલી જૂને રમાશે.