અલબત્ત, શ્રીનિવાસનને આ તપાસ અટકાવવાના કે તેને દબાવી દેવાના પ્રયાસો કરવાના આરોપમાંથી મુક્ત કરાયા છે, પણ તેમને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની ચૂંટણીથી દૂર રહેવાની તાકીદ કરી છે. કોર્ટે મયપ્પન અને કુન્દ્રાને દોષિત ઠેરવીને તેમની સજા નક્કી કરવા ત્રણ જજની પેનલ નક્કી કરી છે. તે ઉપરાંત બીસીસીઆઈને આદેશ આપ્યો છે કે તે આગામી છ અઠવાડિયામાં તેની ચૂંટણી પૂર્ણ કરી દે.
સુપ્રીમ કોર્ટે ટકોર કરતાં જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે જોડાયેલા અધિકારીઓનાં વ્યાવસાયિક હિતો હોય તે ક્રિકેટ માટે જોખમી છે, તેઓ બોર્ડ સાથે સંકળાયેલા રહે તથા આઈપીએલમાં ટીમના માલિક બને તે અયોગ્ય છે. આ માટે કોર્ટે બોર્ડના નિયમોમાં ફેરફાર કરવાના શ્રીનિવાસનના નિર્ણયને વખોડયો હતો.
કોર્ટે પોતાના ચુકાદા દરમિયાન મયપ્પન અને કુન્દ્રાને સજા માટે અલગ ખંડપીઠને જવાબદારી સોંપી તો બીજી તરફ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને આઈપીએલમાં રમવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ ઉપરાંત આઈપીએલના સીઓઓ સુંદર રમન અંગે પણ વધુ તપાસ કરવા તાકીદ કરી હતી.
નિયમ ૬.૨.૪ રદ
બીસીસીઆઈનાં બંધારણમાં એક ચોક્કસ નિયમના કારણે બોર્ડના સભ્યોને મોકળું મેદાન મળતું હતું. બોર્ડના આ નિયમ ૬.૨.૪નો લાભ લઇને બોર્ડના સભ્યો વ્યાવસાયિક કામગીરીમાં જોડાઈ શકતા હતા. જોકે હવે આ નિયમને દૂર કરવાથી શ્રીનિવાસન્ બોર્ડની આગામી ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં. શ્રીનિવાસન્ ઇન્ડિયા સિમેન્ટ કંપનીના માલિક અને ડાયરેક્ટર છે તથા તેમની જ કંપનીની માલિકીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલમાં ભાગ લે છે. સુપ્રીમે આ નિયમમાં, પોતાને લાભ થાય તે રીતે, ફેરફાર કરવા અંગે બોર્ડ અને શ્રીનિવાસનની ઝાટકણી કાઢી હતી. કોર્ટે ટકોર કરતાં જણાવ્યું કે બોર્ડના સભ્યોને અન્ય વ્યવસાયોમાં સક્રિય થવા મોકળું મેદાન આપનારો આ નિયમ જ ખરેખર જોખમી છે.
ધોની ખોટું બોલ્યો હતો
ટીમ ઇંડિયા અને ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આ સ્પોટ ફિક્સિંગ કેસમાં શંકાસ્પદ ભૂમિકા રહી હતી. મયપ્પન ચેન્નઇ ટીમનો અધિકારી છે કે નહીં તે જાણવા મુદ્ગલ સમિતિએ ધોનીની પૂછપરછ કરી હતી. આ સમયે ધોનીએ મયપ્પન ટીમ અધિકારી હોવાની વાતને ખોટી ગણાવી હતી અને તેને માત્ર ક્રિકેટપ્રેમી ગણાવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે હિતોના ટકરાવ મુદ્દે ધોની સામે પણ સવાલ કર્યા હતા. ધોની ઇન્ડિયા સિમેન્ટ્સનો વાઇસ પ્રેસિડેન્ટ હોવાની સાથે કંપનીની માલિકીની આઇપીએલ ટીમ ચેન્નઇ સુપર કિંગ્સનો કેપ્ટન પણ હતો.
મયપ્પન સટ્ટાખોરીમાં સંડોવાયેલો હોવાની વાતને મુદગલ કમિટીએ મહોર મારતા એ પુરવાર થયું છે કે ધોની મયપ્પનને બચાવવા ખોટું બોલ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલની ટીમ ચેન્નઇ સુપર કિંગ્સનો કેપ્ટન હોવાની સાથે સાથે ભારતીય ટીમનો પણ કેપ્ટન છે. જેથી તેના પર અવારનવાર ભારતીય ટીમમાં ચેન્નઇના ખેલાડીઓને સ્થાન આપવા અને તેના સિવાયના ખેલાડીઓને ટીમમાં ન લેવાના આક્ષેપો પૂર્વ ખેલાડીઓ અને ક્રિકેટ પ્રશંસકોએ લગાવ્યા છે.
ધોની ચેન્નઇ ટીમનો કેપ્ટન હતો અને તેને ટીમમાં મયપ્પનની ભૂમિકા વિશે માહિતી ન હોય તેવું બની શકે નહીં. આથી જ ધોની મયપ્પન અને ચેન્નઇ સુપર કિંગ્સને આઇપીએલમાંથી બહાર થતાં બચાવવા માટે ખોટું બોલ્યો હોવાનું પુરવાર થાય છે.
પવાર અને મોદી રાજી રાજી
ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે શ્રીનિવાસન્ બહાર થઈ ગયા છે તેનાથી હું ખુશ થયો છું. છેલ્લા કેટલાક સમયથી વિવિધ બાબતો બની રહી હતી. આ નિર્ણય બાદ તમામ ખતમ થઈ જશે. હવે ક્રિકેટના સંચાલનમાં ફેરફારની જરૂર છે.
જ્યારે આઇપીએલના બરતરફ કમિશનર લલિત મોદીએ જણાવ્યું હતું કે આ નિર્ણયના કારણે બોર્ડમાં રહેલા ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે. તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદા ઘણી ટ્વીટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હું આ નિર્ણયથી ઘણો ખુશ છું. માનનીય સુપ્રીમ કોર્ટે ક્રિકેટના વ્યાવસાયિક હિત રાખનાર કોઈ પણ પ્રશાસકને નામંજૂર કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
ક્રિકેટ બોર્ડના વધુ એક ભૂતપૂર્વ પ્રમુખ એ. સી. મુથ્થૈયાહે તો શરદ પવાર અને મોદી કરતા પણ આકરું નિવેદન કરતાં કહ્યું હતું કે, શ્રીનિવાસનમાં એક પ્રકારનું ઘમંડ હતું કે તેમને દુનિયાની કોઈ તાકાત પછાડી શકે તેમ નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે તેઓ ભારે ક્રોધિત થયા હશે. હવે શ્રી નિવાસને માનભેર ક્રિકેટ બોર્ડમાંથી બહાર નીકળી જવું જોઈએ. ભારતીય ક્રિકેટ બોર્ડને તેની રીતે કામગીરી કરવા દેવી જોઈએ.