નવી દિલ્હીઃ દિવાળીના પર્વ પર આઈપીએલની 10 ટીમો દ્વારા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. 2025ની સિઝનમાં ક્યા ક્યા ટોચના ખેલાડીઓ પર મહાલક્ષ્મીની કૃપા થઈ છે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે સૌથી વધુ રૂ. 23 કરોડમાં દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર હેનરિચ ક્લાસેનને રિટેન કર્યો છે. જ્યારે બેંગલોર ટીમે વધુ એક વખત તેના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીને રૂ. 21 કરોડમાં રિટેન કર્યો છે. લખનૌની ટીમે નિકોલસ પુરન પર ભરોસો બતાવતા તેને જાળવી રાખ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે જસપ્રીત બુમરાહને ફર્સ્ટ રિટેન તરીકે 3.19 કરોડમાં જાળવ્યો છે.
બીજી તરફ સૌથી આશ્ચર્યજનક બાબત એ આ છે કે ચેન્નઈની ટીમે તેના સૌથી અનુભવી ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીને અનકેપ ખેલાડી તરીકે ફક્ત ચાર કરોડમાં જ રિટેન કર્યો છે.
આઈપીએલની ત્રણ ટીમો દિલ્હી કેપિટલ્સ, ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ તેમના સુકાનીને રિલીઝ કરીને આંચકો આપ્યો છે. દિલ્હીની ટીમે રિશભ પંતને, કેકેઆરે શ્રેયસ ઐયરને તો કંગાળ ફોર્મનો સામનો કરી રહેલા કે. એલ. રાહુલને લખનૌ સુપર જાયન્ટ્સે છૂટા કર્યા છે અને તેઓ આગામી મેગા હરાજીમાં ઉતરશે.
આ ઉપરાંત અર્શદીપ સિંષ, મોહમ્મદ સિરાઝ, યુઝવેન્દ્ર ચહલ તથા ઈશાન કિશન જેવા ખેલાડીઓ પણ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં મેગા હરાજીમાં ભાગ લેશે. ગુજરાત ટાઈટન્સની ટીમે ઝડપી બોલર મોહમ્મદ શમી અને ડેવિડ મિલરને રિલીઝ કર્યા છે. 31 ઓક્ટોબરના સાંજ સુધીમાં તમામ આઈપીએલની ટીમોએ તેમના દ્વારા રિટેન ખેલાડીઓની યાદી જાહેર કરવાની હતી. નિયત સમયમર્યાદામાં 10 ટીમોએ રૂ.558.5 કરોડમાં 46 ખેલાડીઓને રિટેન કર્યા છે. આ વખતે તમામ ટીમોએ ફક્ત 10 વિદેશી ખેલાડીઓને જ રિટેન કર્યા છે.