મુંબઈઃ દુનિયાભરના ક્રિકેટરોને કરોડોની કમાણી કરાવવાની સાથે સાથે ક્રિકેટવિશ્વમાં ધૂમ મચાવનારી ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મેચીસના ટીવી-ડિજિટલ-મીડિયા પ્રસારણના આગલા પાંચ વર્ષના રાઇટ્સ કુલ 6.02 બિલિયન ડોલરમાં એટલે કે રૂ. 48,390 કરોડમાં વેચાયા છે.
મુકેશ અંબાણી ગ્રૂપના વાયકોમ18ને 2027 સુધી 3.05 બિલિયન ડોલરમાં (રૂ. 20,500 કરોડમાં) આગલાં પાંચ વર્ષ માટે આઈપીએલ મેચના સ્ટ્રીમિંગના અધિકાર મળ્યા છે. જ્યારે ડિઝનીની માલિકીના સ્ટાર ઇન્ડિયાને 3.04 બિલિયન ડોલર (રૂ. 23,575 કરોડ)માં ટીવી પ્રસારણના અધિકાર મળ્યા છે. આ બે સોદા સંયુક્ત રીતે આઈપીએલની પાછલી પાંચ સિઝન માટે સ્ટારે ચૂકવેલા 2.4 બિલિયન ડોલરના બમણા કરતાં પણ વધુ છે. આ સોદા સાથે આઈપીએલે પ્રીમિયર લીગમાં યુએસની એનએફએલ અને ઇંગ્લિશ પ્રીમિયર લીગની સાથે મેચ દીઠ ખર્ચની દૃષ્ટિએ ટોચનું સ્થાન મેળવી લીધું છે.
ટેલિવિઝન પ્રસારણના અધિકારમાં આ સમયગાળામાં રમાનારી આઈપીએલની 410 મેચો સામેલ છે. આમ આઈપીએલની એક મેચ લગભગ 76 લાખ ડોલરમાં વેચાઈ છે. વર્ષમાં બે મહિના ચાલતી આઈપીએલ સ્પર્ધા માટે 2023થી ડિજિટલ સ્ટ્રીમિંગ અધિકાર પ્રતિ મેચ 64 લાખ ડોલરમાં વેચાયા હતા.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે, આઈપીએલમાંથી મળતી આવક દેશમાં પાયાના સ્તરે ક્રિકેટને મદદ માટે માળખાગત સુધારણા અને સુવિધાઓને ભંડોળ પૂરું પાડવા માટે ફાળવવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું, ‘હવે, આપણા રાજ્યના એસોસિએશનો, આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓએ આઈપીએલ સાથે મળીને ક્રિકેટપ્રેમીઓ અને ચાહકોનો અનુભવ કેવી રીતે શાનદાર બને તે જોવાનું છે.’
વિશ્વમાં સૌથી વધુ જોવાતી સ્પોર્ટ્સ ઈવેન્ટ પૈકીની એક એવી આઈપીએલ ધુરંધર ક્રિકેટરોને આકર્ષે છે અને તેઓ મલાઈદાર કોન્ટ્રાક્ટ મેળવવા માટે તલપાપડ રહે છે.
આમ આઇપીએલની આગામી પાંચ વર્ષની પ્રત્યેક મેચથી બીસીસીઆઇને માત્ર ટીવી-ડિજિટલ રાઈટ્સથી જ તોતિંગ 107.5 કરોડ ડોલરની કમાણી થશે. આ સાથે આઇપીએલ પ્રતિ મેચ બ્રોડકાસ્ટિંગ ફીની રીતે ઈંગ્લિશ પ્રીમિયર લીગ તેમજ મેજર લીગ બેઝબોલને પણ પાછળ રાખી દેશે.