રમત, રોમાંચ અને રંગનો સંગમ આજથી આઇપીએલનો જલ્સો

Friday 08th April 2016 05:36 EDT
 
 

મુંબઈઃ ક્રિકેટચાહકોને હજુ ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપનો નશો ઉતર્યો નથી ત્યાં આજથી આઈપીએલની નવમી સિઝન શરૂ થઈ રહી છે. વાનખેડે સ્ટેડિયમમાં યોજાયેલા આઈપીએલના ઉદ્ઘાટન સમારોહનું સ્ટાર એટ્રેક્શન અમેરિકન ગાયક ક્રિસ બ્રાઉનનું પરફોર્મન્સ છે. બ્રાઉન પ્રથમ વખત ભારત આવી રહ્યો છે. બ્રાઉનની સાથે અમેરિકન બેન્ડ મેજર લેઝર, ઇંગ્લિશ રેપર ફ્યૂઝ ઓડીઝી અને જમૈકન રેકોર્ડિંગ આર્ટિસ્ટ નેલાહ થોરબોર્ન પણ ગીત-સંગીતનો શાનદાર કાર્યક્રમ રજૂ કરશે.
ભારતીય સમય પ્રમાણે સાંજે ૭-૩૦ વાગ્યે શરૂ થનારા આ ઝાકઝમાળભર્યા ઉદ્ઘાટન સમારોહ સાથે જ સાત સપ્તાહ ચાલનારા ક્રિકેટના જલ્સાનો પ્રારંભ થશે. સમારંભમાં આંતરરાષ્ટ્રીય કલાકારો ઉપરાંત બોલિવૂડ સ્ટાર્સ રણવીર સિંહ, જેકલિન ફર્નાન્ડિસ, કેટરિના કૈફ, યો યો હની સિંહ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોનો ચેમ્પિયન ડાન્સ પણ જોવા મળશે. ડ્વેન બ્રાવોની સાથે અન્ય કેટલાક વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટરો પણ ચેમ્પિયન્સ ડાન્સ પર નાચતા જોવા મળી શકે છે. આગામી સાત સપ્તાહ સુધી ક્રિકેટ તથા મનોરંજનનો સમન્વય જોવા મળશે.
આઈપીએલ-૯માં ચાર ટીમના કેપ્ટન પ્રથમ વખત ટીમની કમાન સંભાળશે. જેમાં સુરેશ રૈનાને આઈપીએલમાં ડેબ્યુ કરી રહેલી ગુજરાત લાયન્સ ટીમની કમાન મળી છે જ્યારે દિલ્હી ડેરડેવિલ્સ ટીમે ઝહીર ખાનને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. કિંગ્સ ઇલેવન પંજાબે સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલરને કેપ્ટન બનાવાયો છે. આ ત્રણેય પ્રથમ વખત આઈપીએલમાં ટીમની કમાન સંભાળશે.

૧૦ શહેર, ૫૯ લીગ મેચ
બ્રાન્ડ ચેન્નઈ સુપર કિંગ્સ હવે ઇતિહાસ બની ગઈ છે અને મહેન્દ્ર સિંહ ધોની એન્ડ કંપની આઇપીએલ ટ્વેન્ટી૨૦ ક્રિકેટ લીગની નવમી સિઝનમાં પીળા રંગની જર્સીમાં દેખાશે નહીં. બીજી તરફ પૂણે સુપર જાયન્ટ અને ગુજરાત લાયન્સના સ્વરૂપે બે નવી ટીમો આ ટી૨૦ લીગમાં પર્દાપણ કરશે. શનિવારથી રમાનારી લીગમાં ૫૯ મેચો ૧૦ કેન્દ્રમાં રમાશે જેમાં નવા સ્થાનિક ટેલેન્ટની સાથે અનુભવી ખેલાડીઓને પણ પોતાની કારકિર્દીને સ્થિરતા આપવાની તક મળશે.

જૂનાની પરીક્ષા, નવાને પડકાર
ધોની ટી૨૦ ક્રિકેટનો ચતુર કેપ્ટન છે અને શાનદાર ફોર્મમાં રહેલો ભારતનો ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી તેની રિધમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ માટે પણ જારી રહેશે તેવી આશા રાખી રહ્યો છે. તેને ક્રિસ ગેઇલ તથા ડીવિલિયર્સ સાથ આપી રહ્યા છે. રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળની મુંબઈ ઇન્ડિયન્સને ઇંગ્લેન્ડના જોસ બટલરનો સાથ મળશે. ડેર ડેવિલ્સ પાસે ટી૨૦નો નવો સ્ટાર કાર્લોસ બ્રાથવેઇટ છે. દિલ્હી પાસે રાહુલ દ્રિવડ જેવો મેન્ટર તથા ઝહિર ખાનના સ્વરૂપે કેપ્ટન છે. કોલકતાના કેપ્ટન ગૌતમ ગંભીર પર દબાણ રહેશે અને તેનો ઓલરાઉન્ડર કાલિસ હવે ટીમનો કોચ બની ગયો છે. હૈદરાબાદ પાસે બેટિંગમાં ડેવિડ વોર્નર તથા બોલિંગમાં નહેરા અને મુસ્તાફિઝુર રહેમાન છે. કિંગ્સ ઇલેવન પંજાબ પાસે ડેવિડ મિલર તથા ગ્લેન મેક્સવેલ છે, પરંતુ જ્હોન્સન વિના બોલિંગ થોડીક નબળી લાગે છે.

મુંબઈ-પૂણે વચ્ચે પહેલી ટક્કર
આઈપીએલની નવમી સિઝનનો પ્રારંભ ગત ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને આઈપીએલની નવી ટીમ રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. રાઇઝિંગ પૂણે જાયન્ટ્સ ટીમના કોચ ફ્લેમિંગ છે અને કેપ્ટનશિપ મહેન્દ્ર સિંહ ધોનીને સોંપાઇ છે. બંને આઠ વર્ષ સુધી ચેન્નઈ ટીમમાં સાથે કામ કરી ચૂક્યા છે.
નવો સ્પોન્સર્સ મળ્યો
આઈપીએલ ફિક્સિંગ વિવાદને કારણે પેપ્સીએ ગત વર્ષે આ ટૂર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો હતો. પરિણામે ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની વિવો આઈપીએલ-૯ અને ૧૦નો નવો સ્પોન્સર્સ બની છે.
એલઇડી સ્ટમ્પ્સ
વર્ષ ૨૦૧૪થી આઈસીસી દ્વારા વિવિધ ટૂર્નામેન્ટમાં એલઇડી સ્ટમ્પ્સનો ઉપયોગ કરાઈ રહ્યો છે ત્યારે આ વખતે આઈપીએલમાં પ્રથમ વખત એલઇડી સ્ટમ્પ્સ જોવા મળશે. એલઇડી સ્ટમ્પ્સનો સૌથી પહેલાં ઉપયોગ ૨૦૧૩માં રમાયેલી બિગબેશ લીગમાં થયો હતો. તે પછી આઈસીસી દ્વારા ૨૦૧૪ અને ૨૦૧૬ની ટી૨૦ વર્લ્ડ કપમાં ઉપયોગ કરાયો હતો. આઈસીસીને એલઇડી સ્ટમ્પ્સ આપનાર કંપની સાથે જ આઈપીએલ દ્વારા કરાર કરાયો છે.
રૂ. ૬૫ હજાર કરોડની ઊથલપાથલ
એક અંદાજ પ્રમાણે પ્રત્યેક મેચમાં ૭૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર થવાની સંભાવના છે. ટી૨૦ વર્લ્ડ કપની સિઝન પૂરી થઈ અને ફાઇનલ મેચમાં પન્ટરોએ કરોડો રૂપિયા ગુમાવ્યા હતા. હવે નવમી એપ્રિલથી શરૂ થનારી આઈપીએલની સિઝનમાં તેઓ ‘નુકસાન’ સરભર પૂરા કરવા તૈયાર થઈ ગયા છે. સેમિ-ફાઇનલ અને ફાઇનલ સહિત અંદાજે ૬૦ મેચમાં ૬૫ હજાર કરોડ રૂપિયાની ઊથલપાથલ થવાની માહિતી એક અગ્રણી બુકીએ આપી હતી.
પ્રત્યેક મેચમાં ૫૦૦ કરોડ રૂપિયાનો દાવ અને સેશનના ૨૦૦ કરોડ મળી અંદાજે ૭૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર થશે. આ ઉપરાંત દરેક પાંચ ઓવર પછી તેના ભાવમાં ચડ-ઊતર થશે. વર્લ્ડ કપ ટી૨૦ની ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ પર દાવ લગાડનારા પન્ટરોએ કરોડો રૂપિયાનું નાહી નાખવું પડયું હતું. તેઓ હવે આઈપીએલમાં તેમનું નુકસાન સરભર કરવા દાવ લગાડી રહ્યા છે.
નવમી એપ્રિલે રમાનારી પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન ૮૦ પૈસા સામે પૂણે વોરિયર્સનો ૧ રૂપિયો ભાવ ખૂલ્યો છે. જોકે મુંબઈમાં પોલીસની ભીંસ વધતાં તમામ બુકીઓ શહેર બહાર જતા રહ્યા છે. મુંબઈ નજીકના હિલ રિસોર્ટમાં તેઓ ડેરા-તંબૂ નાખી બેઠા છે. આ ઉપરાંત ગુજરાત, દિલ્હી અને કોલકતાથી બુકીઓ ઓપરેટ કરશે. આઈપીએલની મેચમાં ઇન્ડિયન કરતાં વિદેશી ખેલાડીઓનાં પર્ફોર્મન્સ પર બુકીઓને વધારે ભરોસો છે અને તેને આધારે તેઓ ટીમના ભાવો નક્કી કરતા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
બેંગલોર ફેવરિટ
આઈપીએલની આ સિઝનમાં બેંગલોરને જીતવા માટે બુકીઓએ ફેવરિટ ગણાવ્યું છે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાવ ૩.૨૦ રૂપિયા ભાવ ખોલવામાં આવ્યા છે. તે પછી પૂણે વોરિયર્સના ૩.૮૦, મુંબઈ ઇન્ડિયન્સના ૫.૨૦ પૈસા, ગુજરાત લાયન્સના ૭ રૂપિયા, કોલકતા નાઇટરાઇડર્સના ૭.૪૦ પૈસા, પંજાબના ૭.૪૦, હેદરાબાદના ૮.૪૦,અને દિલ્હી ડેરડેવિલ્સના ૧૧ રૂપિયા ભાવ ખોલવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter