મિસીસીપી: એંશી અને નેવુંના દાયકાના ખૂબ જ લોકપ્રિય રેસલર અને વર્લ્ડ રેસલિંગ ફેડરેશનની કુસ્તીના દર્શકો વધારવામાં ઉલ્લેખનીય યોગદાન આપનાર જેમ્સ ‘કમાલા’ હેરિસનું ૭૦ વર્ષની વયે અમેરિકામાં નિધન થયું છે.
ડબલ્યુડબલ્યુએફના હલ્ક હોગન, અન્ડરટેકર અને આન્દ્રે જેવા દિગ્ગજો સાથેની તેની રેસલિંગ ફાઇટ ખૂબ જ રોમાંચક અને બેઠક પરથી ઊભા કરી દે તેવી રસાકસીપૂર્ણ હતી. જોકે, આટલા મોટા ગજાના અને ૬ ફૂટ ૭ ઈંચની કદાવર કાયા ધરાવતા ‘કમાલા’ની કમનસીબી એ હતી કે તેઓ વર્ષોથી હાઇ ડાયાબિટીસથી પીડાતા હતા અને ડાબા પગે ગેંગ્રીન થઈ જતાં ૨૦૧૧માં તે કાપી નાંખવો પડ્યો હતો.
યુગાન્ડામાં જન્મેલા આ રેસલર ‘યુગાન્ડન જાયન્ટ’ તરીકે ઓળખાતા હતા. તે મોં પર ભાલા, વાઘ અને આફ્રિકન આદિવાસી જેવા ચિતરામણ કરીને ઉતરતો હતો. જોકે ઘણા લોકો એવું કહીને તેની ટીકા કરતા હતા કે તે વંશીય ઈમેજ ખડી કરે છે. ૧૯૯૨માં ઓહિયોના રીચફ્રિડ કોલોઝિયમમાં તેનો અને અન્ડરટેકરનો રેસલિંગ જંગ બ્લોકબસ્ટર હીટ રહ્યો હતો, જેને કાસ્કેટ મેચ સર્વાઈવર સિરીઝ નામ અપાયું હતું. અન્ડરટેકર આ શ્રેણી જીત્યો હતો. ૧૮,૦૦૦ પ્રેક્ષકોએ આ જંગ સ્ટેડિયમમાં બેસીને નિહાળ્યો હતો. આ ઉપરાંત વિશ્વવ્યાપી ટેલિકાસ્ટ થયું હતું.
૧૯૭૮માં મિસીસીપી શહેરથી તેણે તેની કારકિર્દી સુગર બેરના નામથી પ્રારંભી હતી. ૨૦૦૪ પછી ડબલ્યુડબલ્યુએફનું નામ બદલાયું હતું અને ડબલ્યુડબલ્યુઈ બન્યું ત્યારે તેની સાથે પણ ‘કમાલા’ કરારબદ્ધ થયો હતો. ટ્વિટર પર તેને કુસ્તીબાજો, કોમેન્ટેટરો અને ચાહકો મોટી સંખ્યામાં અંજલિ આપી રહ્યા છે.