લંડનઃ વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈન્મેન્ટ (ડબલ્યુડબલ્યુઈ)ના સુપરસ્ટાર રેસલર અંડરટેકરે ત્રણ દાયકાથી વધુ લાંબી કારકિર્દી બાદ હવે રિંગ છોડવાનો નિર્ણય કર્યો છે. ‘ડેડમેન’ તરીકેની ઓળખ ઊભી કરનાર ૫૫ વર્ષીય અંડરટેકરનું સાચું નામ માર્ક કાલાવેએ છે. તાજેતરની એક દસ્તાવેજી ફિલ્મમાં તેણે જણાવ્યું હતું કે હવે તેના માટે કંઇ જીતવાનું બાકી રહ્યું નથી. આક્રમક અંદાજ અને બેફિકર સ્ટાઈલને કારણે એક આખો અલગ જ ચાહકવર્ગ ઊભો કરનારા અંડરટેકરને સોશિયલ મીડિયામાં ચાહકોએ ભાવભરી વિદાય આપી હતી.
અંડરટેકરે કહ્યું હતું કે હવે રિંગમાં પાછા ફરવાની તેની કોઈ ઈચ્છા નથી. જોકે તેણે પોતે કે પછી ડબલ્યુડબલ્યુઈએ લિગમાંથી તેની સત્તાવાર નિવૃત્તિ અંગે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. ડરામણી એન્ટ્રી, અનોખી સિગ્નેચર ટ્યુન સાથે અંડરટેકરની એન્ટ્રીને ભારે સરાહના મળતી.
નવી ડબલ્યુડબલ્યુઈ બાયોપિક ‘ધ લાસ્ટ રાઈડ’માં અંડરટેકરે રિંગમાં પાછા ન ફરવાની કોમેન્ટ કરી હતી. સોશિયલ મીડિયામાં હેશટેગ થેંક્યુ ટેકર સાથે તેના સમર્થકોએ તેને ગુડબાય કર્યું હતું. મુંબઈ ઈન્ડિયન ફ્રેન્ચાઈઝીએ પણ તેની કારકિર્દીને બિરદાવી હતી.
તેણે તેના છેલ્લા મુકાબલામાં રેસલર એજે સ્ટાઈલ્સનો સામનો કર્યો હતો. ફાઇટના અંતમાં અંડરટેકર તેના હરિફને પરાસ્ત કર્યા બાદ મોટરસાઈકલ પર રવાના થઈ જતો જોવા મળે છે. તેણે કહ્યું હતું કે આ એક પરફેક્ટ પળ છે. દરેક વખતે તે મળે તેવું જરૂરી નથી. જો કારકિર્દીનો યોગ્ય અંત આણવો હોય તો આ યોગ્ય કહેવાય. તેણે ઉમેર્યું હતું કે હવે તેને એક મુકાબલા માટે પાછા ફરવું છે, પણ તે શક્ય બનશે કે કેમ તેનો નિર્ણય સમય કરશે.
એકથી વધુ વર્લ્ડ હેવીવેઈટ ચેમ્પિયશીપ જીતી ચૂકેલો અંડરટેકર છ વખત ટેગ ટીમ ટાઈટલ હોલ્ડર રહી ચૂક્યો છે. તે રોયલ રમ્બલનો વિજેતા પણ હતો. તેણે ઈ.સ. ૧૯૮૭માં વર્લ્ડ ક્લાસ ચેમ્પિયનિપ રેસલિંગથી તેની કારકિર્દી શરૂ કરી હતી અને ત્યારબાદ ૧૯૯૦ના દશકમાં તે ટેડ ડિબિઅસની મિલિયન ડોલર ટીમની સાથે આખરી સભ્ય તરીકે જોડાયો હતો.
ડબલ્યુડબલ્યુઈના પાયોનિયર તરીકેની ઓળખ ધરાવતા અંડરટેકરે ૧૯૯૨ની સર્વાઈવર સિરીઝની પ્રથમ કાસ્કેટ મેચમાં ભાગ લીધો હતો. તેણે ૧૯૯૬માં બેરિઅલ્ડ અલાઈવ મેચ અને ૧૯૯૭માં હેલ ઈન સેલ મુકાબલામાં ભાગ લીધો હતો. ભારે લોકપ્રિયતા છતાં તેણે તેના અન્ય સાથીઓની જેમ ફિલ્મોમાં ઝંપલાવ્યું ન હતું.