મોનાકોઃ ભારતની ટોચની એથ્લીટ અંજુ બોબી જ્યોર્જને વર્લ્ડ એથ્લેટિક્સે દેશમાં ટેલેન્ટને શોધવા તથા લૈંગિક સમાનતા અંગે જાગૃતિ લાવવા માટે વર્ષની બેસ્ટ વુમન ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કરી છે. પેરિસમાં ૨૦૦૩માં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એકમાત્ર મેડલ જીતનાર અંજુને પહેલી ડિસેમ્બરે રાત્રે યોજાયેલી ઓનલાઇન એવોર્ડ સેરેમની દરમિયાન આ સન્માન માટે પસંદ કરવામાં આવી હતી. આ પુરસ્કાર મેળવનાર અંજુ ભારતની પ્રથમ એથ્લીટ છે. જે મહિલા એથ્લીટે પોતાનું સમગ્ર જીવન એથ્લેટિક્સને સર્મિપત કર્યું હોય તેને આ એવોર્ડનું સન્માન અપાય છે. આ સન્માન મેળવનાર અંજુ વિશ્વની બીજી મહિલા પણ છે. ૨૦૧૯માં શરૂ કરાયેલો આ પુરસ્કાર અગાઉ ઇથિપિયાની ડબલ ઓલિમ્પિક ચેમ્પિયન ડેરારતુતુલૂને અપાયો હતો. ભારતની દિગ્ગજ મહિલા સ્પ્રિન્ટર પી.ટી. ઉષાને ૨૦૧૯માં રમતોના વિકાસ માટે તેણે આપેલા યોગદાન બદલ ‘વેટર્ન પિન’ એવોર્ડથી સન્માનિત કરાઇ હતી. વર્લ્ડ એથ્લેટિક્સે જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ લોંગ જમ્પર ભારતની અંજુ બોબી હજુ પણ રમત સાથે જોડાયેલી છે. તેણે ૨૦૧૬માં યુવા મહિલા ખેલાડીઓ માટે કોચિંગ એકેડેમી શરૂ કરી છે જેમાં વર્લ્ડ અંડર-૨૦ની મેડલ વિજેતા ખેલાડીઓ પણ તૈયાર થઈ છે.
ભારતમાં રમતોને પ્રોત્સાહન આપવા માટે અંજુના પ્રયાસ અને વધુમાં વધુ મહિલાઓને તેનું અનુકરણ કરવા માટેની પ્રેરણા આપવાના કારણે તે એવોર્ડ માટે પ્રબળ દાવેદાર હતી. નોંધનીય છે કે અંજુએ ૨૦૦૩ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ અને ૨૦૦૫ની મોનાકો વર્લ્ડ એથ્લેટિક્સ ફાઇનલ્સની લોંગ જમ્પ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.