પોશ્પેસ્ટુમઃ બાંગ્લાદેશે ત્રણ વખતના ચેમ્પિયન ભારતને ત્રણ વિકેટે હરાવીને પહેલી વખત આઈસીસી અંડર૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે. જોકે તે આ ઐતિહાસિક વિજય પચાવી શક્યું ન હોય તેમ લાગે છે. ભારતીય ટીમે પરાજયને ખેલદિલી સાથે સ્વીકાર્યો હતો, પરંતુ બાંગ્લાદેશની ટીમે વિજયની એટલા આક્રમક અંદાજમાં ઉજવણી કરી હતી કે આઇસીસી દ્વારા તેની સામે શિસ્તભંગના પગલાં તોળાઇ રહ્યાં છે.
બાંગ્લાદેશના ખેલાડીઓએ વિજયના ઉન્માદમાં ભાન ભૂલીને ભારતીય ખેલાડીઓ સામે અશ્લીલ શબ્દો ઉચ્ચાર્યા હતા અને મુઠ્ઠીઓ વાળીને આક્રમક વલણ દાખવ્યું હતું. એક ખેલાડી તો બેટ લઇને ભારતીય ખેલાડીને મારવા ધસી ગયો હતો. આખરે બન્ને ટીમના કોચ, થર્ડ અમ્પાર સહિતના લોકોએ તેમને છુટ્ટા પાડ્યા હતા. ક્રિકેટવિશ્વમાં આ વર્તનની આકરી ટીકા થઇ છે. બાંગ્લાદેશની ટીમના કેપ્ટન અકબર અલીએ પણ પોતાના સાથી ખેલાડીઓની ગેરવર્તણૂક બદલ માફી માગતા કહ્યું હતું કે આ વર્તણૂક એકદમ અયોગ્ય હતી.
અંડર૧૯ વર્લ્ડ કપની ફાઇનલ મેચ રવિવારે સાઉથ આફ્રિકામાં રમાઇ હતી, જેમાં બાંગ્લાદેશે ડકવર્થ લુઇસ નિયમના આધારે ત્રણ વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમે ૪૭.૨ ઓવરમાં ૧૭૭ રન કર્યા હતા. જ્યારે બાંગ્લાદેશને વરસાદને કારણે ડકવરથ લૂઇસ નિયમના આધારે ૪૬ ઓવરમાં ૧૭૦ રન કરવાનો ટાર્ગેટ મળ્યો હતો. કેપ્ટન અકબર અલીએ અણનમ ૪૩ બનાવ્યા હતા. એક સમયે બાંગ્લાદેશનો સ્કોર છ વિકેટે પર ૧૦૨ રન હતો અને લાગતું હતું કે ભારત મેચ પર કબજો જમાવી શકે છે. જોકે રિટાયર્ડ હર્ટ થઈને મેદાનમાંથી બહાર ગયેલો પરવેઝ હુસેન ઇમોન (૪૭ રન) પરત આવ્યો હતો અને અકબરની સાથે મળીને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.