નવી દિલ્હી: ભારતની ક્રિકેટ ટીમમાં વિકેટ-કીપર અને બેટ્સમેન કે.એલ. રાહુલ અને બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટીને ત્યાં પારણું બંધાયું છે. અથિયા શેટ્ટીએ સોમવારે દીકરીને જન્મ આપ્યો છે. અથિયા એક્ટર સુનીલ શેટ્ટીની દીકરી છે. આઈપીએલ 2025 વચ્ચે રાહુલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાના ઘરે કન્યારત્નના જન્મની માહિતી આપીને ખુશી વ્યક્ત કરી હતી. રાહુલે એક તસવીર પોસ્ટ કરી, જેમાં તેણે લખ્યુંઃ અથિયા અને રાહુલને 24 માર્ચ 2025એ એક દીકરીના આશીર્વાદ મળ્યા. રાહુલ અને અથિયાએ સંયુક્ત રીતે ઈન્સ્ટાગ્રામ પર જેવા આ સમાચાર શેર કર્યા કે તરત જ લોકો તેમને અભિનંદન આપવા લાગ્યા. રાહુલ તાજેતરમાં જ વિશાખાપટ્ટનમમાં આઈપીએલની 18મી સિઝન માટે દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો હતો, પરંતુ રવિવારે રાત્રે અચાનક જ તે મુંબઈ પાછો ફર્યો હતો.